Abtak Media Google News

સરકારી બેંકોને મર્જર કરવા સહિતના મુદાઓ પર દેશના ચાર મુખ્ય બેંકો યુનિયનોની હડતાલની જાહેરાત

કેન્દ્રની મોદી સરકારે ખોટ કરતી જાહેર ક્ષેત્રની સરકારી બેંકોને મર્જર કરીને ખર્ચ બચાવવા યોજના બનાવી છે. બેંકોના આ મર્જરથી અનેક કર્મચારી, અધિકારીઓને છૂટા કરવામાં આવવાની સંભાવનાથી દેશના ચાર બેંક કર્મચારી યુનીયનો દ્વારા આગામી તા.૨૬ અને ૨૭ના રોજ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની જાહેરાત કરી છે. આ યુનિયનો સાથે ચાર લાખ જેટલા બેંક અધિકારી, કર્મચારીઓ જોડાયેલા હોય દેશની મોટાભાગની બેંકો હડતાલના દિવસે બંધ રહેવાની સંભાવના છે. તા.૨૮ અને ૨૯મીએ ચોથા શનિવાર અને રવિવારની રજા હોય દેશની મોટાભાગની બેંકો ૨૬મીથી ચાર દિવસ બંધ રહેવાની સંભાવના હોય અબજો રૂા.નો લેવડ દેવડ અટકી જવાની સંભાવના જોવાઈ રહી છે. અખીલ ભારતીય બેંક અધિકારી એસો. એઆઈબીઓસી, એઆઈબીઓએ, ઈન્ડીયન બેંક ઓફીસર કોંગ્રેસ આઈએનબીઓસી અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફીસર એનઓબીઓ સહિતના ચાર યુનિયનો એ સપ્ટે. ૨૫ની મધરાતથી ૨૭મીની મધરાત સુધી દેશ વ્યાપી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો હોવાનું બેંક એમ્પલોય ફેડરેશન ઓફ ઈડીયા ની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ચાર લાખ કર્મચારીઓની હડતાલના પગલે દેશમાં દૈનિક ૪૮ હજાર કરોડ રૂાના બેંક વ્યવહારો ટ્રાઝેકશન ઠપ્પ થઈ જશે. એઆઈબીઓસીના તામિલનાડુ વિભાગના સચિવે આ અંગે જણાવ્યું હતુ કે અમે જાહેરક્ષેત્રનાં વિલીનીકરણનાં વિરો છીએ આ વિલીનીકરણ જાહેર ક્ષેત્રનાં વિકાસથી વિપરીત છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારામને ૩૦ ઓગષ્ટના રોજ બેંકોના ચાર મર્જરની જાહેરાત કરી, ૨૭માંથી ૧૨ બેંકો કરવાનું નિર્ણય જાહેર કર્યો હતો. જેનો બેંકના તમામ યુનિયનોએ વિરોધ કર્યો છે.

બેંક કર્મચારીઓએ કરેલી અન્ય માંગણીમાં બેંકના કામકાજના સાપ્તાહિક દિવસોની સંખ્યા પાંચ કરવા અને કેસ ટ્રાન્ઝેકશન અને નિયમિત કામની કલાકો ઘટાડવાની માંગ કરી છે. કર્મચારીઓએ વિઝીલન્સ કેસીસના બ્રાહ્ય સંસ્થાનો દ્વારા સમાધાનની કામગીરી રિટાયર્ડ અને પેન્શનના મામલા, રાષ્ટ્રીય પેન્શન યોજના બંધ કરવાના મુદા અને એનપીએના મામલામાં અધિકારીઓની કનડગત સહિતના મુદાઓનાં ઉકેલ માટે કર્મચારીઓએ માંગ કરી છે.

દેશના તમામ ચાર લાખ કર્મચારીઓની બે દિવસીય દેશ વ્યાપી હડતાલની જાહેરાત કરનાર કર્મચારી યુનિયનોએ આ બે દિવસીય દેશવ્યાપી હડતાલ છતા પણ કર્મચારીઓની ન્યાયીક માંગણીઓનો ઉકેલ નહી આવે તો આ યુનિયનોએ નવેમ્બર મહિનાના બીજા અઠવાડીયાની દેશવ્યાપી અચોકકસ મુદતની હડતાલના નિદેશો પણ આપ્યા છે.બેંકોનાં વિલિનિકરણની જાહેરાતના વિરોધમાં થનારી આ હડતાલથી આ મહિનાના અંતમાં બેંકો સતત ચાર દિવસ બંધ રહેવાની દહેશત ઉભી થઈ છે. ૨૬ અને ૨૭ની હડતાલ બાદ ૨૮મી સપ્ટે. મહિનાનો ચોથો શનિવાર અને શનિવારની રજા અને ૨૯મી સપ્ટે.ને રવિવારની જાહેર રજાના કારણે બેંક કર્મચારીઓ માટે ચાર દિવસીય મીનીવેકેશન જેવો માહોલ ઉભો થયો છે.

દેશના ચારેય બેંક કર્મચારી યુનીયનોએ જાહેર ક્ષેત્રની બેંકોના વિલીનીકરણનો એકસૂરથી વિરોધ કર્યો છે. સાથે સાથે બેંક કર્મચારીઓના રિટાયર્ડ પેનશન અને બેંકના કામકાજના કલાકો વધારવાના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. બેંકીગ યુનીયનોએ એક સાથે દેશ વ્યાપી હડતાલનું એલાન કર્યું છે. આ મહિનાના અંતમાં દેશ વ્યાપી હડતાલના પગલે બેદિવસીય હડતાલથી શનિ-રવિ સહિત ચાર દિવસો દેશના ૪૮ હજાર કરોડના દૈનિક ટ્રાન્ઝેકશન પર બ્રેક લાગી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.