બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિશ્વ યોગ દિનની ઉજવણી

વિશ્વ યોગ દિન નિમિતે બી.એ.પી.એસ. રાજકોટના હજારો ભક્તો ભારતીય સંસ્કૃતિના ગૌરવસમા યોગાભ્યાસમાં જોડાયા 

ભારતીય સંસ્કૃતિનું વિશ્વને અનેરું પ્રદાન રહ્યું છે. આ પ્રદાનોમાં ખુબ અગત્યનું પ્રદાન એટલે ‘યોગ’. ભારતીય સંસ્કૃતિમાં યોગનું ખુબ મહત્વ રહ્યું છે. યોગથી પ્રાણની શુદ્ધિ થાય છે માટે અધ્યાત્મ માર્ગે ચાલનારા તમામ સાધકો માટે યોગનો અભ્યાસ કરવો જ રહ્યો. યોગથી શારીરિક તથા માનસિક શુદ્ધિ પણ થાય છે માટે યોગ માત્ર સાધકો માટે જ નહિ પરંતુ તમામ વ્યક્તિઓ માટે સંજીવની સમાન છે.

ભગવાન સ્વામિનારાયણે આ યોગનીભારતીય પરંપરાને જીવંત રાખી છે. બાલ્યકાળથી જ તેઓ સરયુ નદીના કાંઠે યોગાસનો કરતા. નીલકંઠવર્ણી સ્વરૂપે તેમણે ગોપાળયોગી નામના યોગઋષિ પાસે યોગનો અભ્યાસ કરેલો. રામાનંદ સ્વામીના આશ્રમમાં તેઓ સંતો-ભક્તો પાસે નિયમિત યોગાસનો કરાવતા. યોગાભ્યાસના સાત અંગોમાંના અંતિમ અને સૌથી કઠીન એવી સમાધિ પણ ભગવાન સ્વામિનારાયણે ભક્તોને ઘણી વખત કરાવેલી.

             ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ અધ્યાત્મિક યોગના પરમ યોગી તરીકે આધુનિક વિશ્વને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ પણ વર્ષોથી પ્રાણાયામ વગેરે યોગના સોપાનોને રોજીંદા જીવનમાં સ્વીકારીને સૌને યોગ દ્વારા સ્વાસ્થ્યની પ્રેરણા આપી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિના ગૌરવસમા યોગની વિશ્વ ફલક પર નોંધ લેવાઈ રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિએ પણ આપણા યોગને અપનાવ્યો છે. ‘વિશ્વ યોગ દિન’ તરીકે આજે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. આ વિશ્વ યોગ દિન નિમિતે રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે સંતો અને હજારો ભક્તજનોની ઉપસ્થિતિમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તોએ જીવનમાં યોગનું મહત્વ અને યોગથી થતા ફાયદાઓ  જાણી નિયમિત યોગાભ્યાસના સંકલ્પો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સંતોએ પણ યોગાસનોમાં જોડાઈને અનેક ભક્તોને યોગાભ્યાસ માટે પ્રેર્યા હતા.

             આ વર્ષે ઉજવાનારા પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં લાઈફ સંસ્થાના સહયોગથી તારીખ ૧૮ જૂનથી ૨૧ જૂન દરમ્યાન દરરોજ સવારે ૬:૧૫ થી ૭:૧૫ સુધી પ્રમુખસ્વામી સભાગૃહમાં યોગભ્યાસનું સફળતાપૂર્વક આયોજનકરવામાં આવ્યું હતું.