Abtak Media Google News

સોનિયા ગાંધી અને એહમદ પટેલને મળશે

 ૨૪મીએ ગાંધીનગરમાં મળનારા સમર્થકોના સંમેલન સહિતની બાબતો મુદ્દે ચર્ચા

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા બુધવારે નવી દિલ્હી જશે. નવી દિલ્હીમાં વાઘેલા કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલને મળીને ૨૪મીએ ગાંધીનગરમાં મળનારા સમર્થકોના સંમેલન સહિતની બાબતો અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. જો કે, વાઘેલાની દિલ્હીની મુલાકાત પૂર્વ નિર્ધારીત છે અને આ અંગે તેમણે દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને જાણ પણ કરી છે. વાઘેલાની કોંગ્રેસના નેતાઓ સાથેની આ મુલાકાત અત્યંત એટલા માટે મહત્વની મનાય છે કે, આ બેઠકમાં સમાધાનકારી વલણ અપનાવીને બાપુ કોંગ્રેસને મજબૂત કરવાના કામમાં લાગી જાય છે કે પછી પોતાની શરતોનો સ્વીકાર ન થતાં અન્ય કોઈ માર્ગ અપનાવે છે તેના પર સહુની મીટ મંડાઈ છે.

વાઘેલાએ ૨૪મીએ ગાંધીનગરમાં સમર્થકો-ટેકેદારોની બેઠક બોલાવી હોવાથી રાજકીય વર્તુળોની નજર વાઘેલાની દિલ્હીની મુલાકાત અને ૨૪મીની સમર્થકો સાથેની બેઠક પર છે. વાઘેલાના નજીકના સૂત્રોએ દિલ્હીની મંગળવારની મુલાકાતને સમર્થન આપતા જણાવ્યું કે, બાપુ મંગળવારે વરિષ્ઠ નેતા એહમદભાઈ સાથે બેઠક કરશે. જો કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથેની મુલાકાત નિશ્ચિત નથી તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોવાથી જો તેઓ પરત આવી જાય અને મુલાકાત આપે તો વાઘેલા તેમને મળશે. ગુજરાતના પ્રવાસે આવેલાં પ્રભારી અશોક ગેહલોત પણ મંગળવારે દિલ્હી જાય તેવી શક્યતા વ્યક્ત કરતા સૂત્રો કહે છે કે, પ્રદેશ પ્રમુખ બદલવા અને વાઘેલાને ફ્રી હેન્ડ આપવા બાબતે હાઈકમાન્ડે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને પ્રભારીએ આ અંગે સ્પષ્ટ રીતે નિવેદન આપ્યું હોવાથી હવે આ બાબતે વધુ કોઈ ચર્ચાને અવકાશ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.