Abtak Media Google News

પ્રજાસત્તાક દીને રાજધાની દિલ્હીમાં હિંસા ભડકતા આંદોલનકારીઓ પણ ભયભીત થઈ ઉઠ્યા છે. અસામાજીક તત્વો ખેડુતોના નામે આંદોલનમાં ઘૂસી અંધાધૂંધી ફેલાવી દીધી છે. આવી ઘટના ફરી ન બને અને પોતના ખંભે બંદૂક ન ફૂટે તે માટે ખેડુતો પારોઠના પગલા ભરવા મજબૂર બન્યા છે. આગામી ૧લી ફેબ્રુઆરીએ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનકારીઓ સંસદ તરફ કુચ કરવાના હતા અને ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોય, સરકારની પણ ચિંતા વધી ગઈ હતી. પરંતુ દિલ્હીમાં હિંસા ભડકયા બાદ આગામી બજેટ દિનની સંસદ તરફની માર્ચ રદ કરવાની આંદોલનકારીઓએ જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદા વિરૂધ્ધ છેલ્લા બે મહિનાથી અવિરત પણે ચાલુ રહેલા આંદોલને ગણતંત્ર દીન પર હિંસાત્મક સ્વરૂપ ધારણ કરતા દેશભરમાં ઘેરા પડઘા પડયા છે. આ આંદોલનમાં ‘દેશદ્રોહી’ તત્વોનો પ્રવેશ થતા ખેડુતોની ગાડી અવળે પાટે ચડાવી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. ૨૬મીએ શાંતિપૂર્ણ રીતે કાયદા-વ્યવસ્થાના પાલન સાથે ટ્રેકટર પરેડ યોજવાના ખેડુતોના નિર્ધાર છતા રાજધાની દિલ્હીમાં હિંસા ભડકી,૪૦૦ જેટલા પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા એટલું જ નહિ પણ દેશની આન, બાન અને શાન ગણાતા એવા રાષ્ટ્રીય સ્મારક લાલ કિલ્લા પરઆપણા ‘ત્રિરંગા’ ઉપરાંત અન્ય ઝંડો ફરકયો હોય, તેવા દેશદ્રોહી દ્રશ્યો સર્જાયા દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને ઈજા પહોચાડનારા તત્વો બેફામ બન્યા ઈતિહાસની આ કલંકિત ઘટના માટે જવાબદાર કોણ ?? જવાબદાર શખ્સોને સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રાલયે આદેશો જારી કર્યા છે. જેના અનુસંધાને ૩૭ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો છે તો ૨૦થી વધુની ધરપકડ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.