Abtak Media Google News

ચિત્રકારને જયાંથી મળે ત્યાંથી ખોબલો રેતી ભરી એ રેતીમાંથી  બનાવે છે રેતચિત્ર; કુદરતી રેતીનાં  ઉપયોગથી અનેક  મહાનુભાવોનાં પોર્ટેટ સહિત 200થી વધુ ચિત્રો બનાવ્યા

રાજકોટના બટુકભાઈ વિરડિયા અગાઉ ક્ધસ્ટ્રક્શન કાર્ય સાથે સંકળાયેલા અને હાલ નિવૃત્ત જીવન જીવી પૂર્ણ સમય સેન્ડ આર્ટ પાછળ વિતાવી રહ્યા છે. સરળ અને સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવતા બટુકભાઈમાં મોટો કલાકાર છુપાયેલો છે. ચિત્રકારો તો ઘણા હોય છે, પણ રેત ચિત્રકારો માં બટુકભાઈ  સાવ જુદા પડે એવા અનોખા ચિત્રકાર છે.

આપણને મોટા ભાગે રેતીમાંથી સ્ટેચ્યૂ બનાવતા કલાકારો જોયા છે, જ્યારે આ વ્યક્તિ કોઈ જ રંગના ઉપયોગ વગર રંગીન રેચિત્રો બનાવે છે. બાળપણથી જ ચિત્રકળા પ્રત્યે એમને લગાવ એમણે કોઈ જ પ્રકારની તાલીમ લીધી નથી. એમ છતાં અનોખા ચિત્રકાર તરીકે ઊભાં છે. ક્લાકો-મહિનાઓ સુધી એ કળાસાધના કરતા રહે છે અને સર્જાય છે આહલાદક-આબેહુબ-નયન રમ્ય ચિત્ર એમણે અત્યાર સુધીમાં 200થી વધારે ચિત્રો બનાવ્યાં છે.

છેલ્લાં 15 વર્ષથી સેન્ડ આર્ટ કરતા બટુકભાઈ વિરડિયા કહે છે કે ’પહેલાં સ્ક્રીન ડિઝાઈન, સનમાઈકાની ડિઝાઈન બનાવતો હતો. ઊંચા ગજાના કલાકાર અને ચિત્રકળાના શિક્ષક એવા મારા પરમમિત્ર ભરતભાઈ ભાડેશિયા મારા માર્ગદર્શક છે. ક્ધસ્ટ્રક્શન વ્યવસાયમાં દરરોજ તો સાથે નાતો હતો એટલે વિચાર કર્યો રેતીમાંથી સ્ટેચ્યૂ ઘણા લોકો બનાવે છે, પણ રેતીના ઉપયોગથી રેત પોર્ટ્રેટ ઓછા લોકો બનાવે છે એટલે સેન્ડ આર્ટમાં હાથ અજમાવ્યો, રેત ચિત્રો બનાવીને એમાં વિવિધ રંગો પૂરવા એ સામાન્ય બાબત હતી એમને કંઈક નવું કરવું હતું. રેતચિત્રોમાં કોઈ જ રંગ વગર એને રંગીન બનાવવાનો વિચાર આવ્યો રેતીતો સર્વત્ર જોવા મળે છે, પરંતુ એમાં કળા દ્રષ્ટિ ઉમેરાય તો વિવિધ સ્થળ કે વિસ્તારમાં રેતીના અલગ અલગ રંગ દેખાશે. સામાન્ય દેખાતી રેતીમાં કુદરતે અનેક રંગો ભર્યા છે.

આજે કોઈ પણ શહેરમાં જાય કે રસ્તા પર એમને કોઈ જગ્યાએ રેતી દેખાય તો એ ખોબો ભરીને પોતાની સાથે લઈ આવે છે. દરેક શહેરની રેતીની એક વિશેષતા છે, જેમ કે પોરબંદર નજીકના રાણાવાવની રેતી ગોલ્ડ તથા અલાહાબાદ ત્રિવેણી સંગમ, સોમનાથ, દ્વારિકાની રેતી સહિત સફેદ, કાળી, પીળી, લાલ કે ગ્રે એમ અનેક પ્રકારની રેતીનો ઉપયોગ કરે છે અને જો કોઈ જગ્યાએ અલગ પ્રકારનો પથ્થર મળી આવે તો એનો ભુક્કો કરીને એમાંથી પણ રેતી બનાવી ઉપયોગ કરે છે. એમણે કુદરતી રેતીનો ઉપયોગ કરીને સ્વામી વિવેકાનંદ, પ્રમુખસ્વામી મહારાજ, મહાત્મા ગાંધી, ઓશો, ભગવાન શિવ, સરદાર વલ્લભભાઈ પટેલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, વગેરેના પોર્ટેટ બનાવ્યાં છે.

બટુકભાઈ ઉમેરે છે કે સેન્ડ આર્ટમાં આંખ અને હોઠ બનાવવામાં સૌથી વધુ મહેનત થાય છે. જમીન પર વગર પાંખે બેસીને એક પોર્ટ્રેટ તૈપાર કરવામાં સરેરાશ દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે. આ ચિત્ર પહેલાં કાગળ પર દોરવામાં આવે છે. ત્યાર બાદ એને પ્લાયવુડ પર લઈ એમાં ફેવિકોલ લગાવીને એના પર રેતી પાથરવામાં આવે છે ને જ્યારે અલગ અલગ કલરનો શેડ આપવાનો હોય ત્યારે વધારે મહેનત થાય છે.

બટુકભાઈ પાસે વિવિધ સેન્ડ આર્ટ પોર્ટ્રેટની સાથે વિવિધ રેતીનું પણ કલેક્શન છે. એમણે નરેન્દ્ર મોદીનું રેતીમાંથી પોર્ટ્રેટ બનાવી એમને રૂબરૂ આપ્યું હતું અને એ ચિત્ર જોઈને નરેન્દ્રભાઈ બોલી ઊઠ્યા હતા વાહ ખૂબ સરસ છે! નરેન્દ્ર મોદી ઉપરાંત એમણે આનંદીબહેન પટેલ, રાજનાથસિંહ સહિતનાં અનેક રાજકારણીઓનાં પોર્ટ્રેટ બનાવ્યાં છે અને આ ચિત્રકારનું તત્કાલીન પ્રધાન દિલીપભાઈ સંઘાણીના હસ્તે સમ્માન પણ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.