Abtak Media Google News

આવતીકાલથી ટીડીએસ-ટીસીએસના નવા નિયમો થશે લાગૂ

નવા નિયમોથી વેરા વહિવટી તંત્રને સર્વગ્રાહી ડેટા પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે

આપણાં દેશના કરવેરા વહિવટી તંત્રને ડેટા એકત્ર કરવાનું જે મોહ રહ્યો છે જે ભારતની વેરા નીતીનો મહત્વનો મુદ્રા લેખ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીના અમલ સાથે જીએસટીનું માળખુ અમલમાં આવતાં અપ્રત્યેક્ષ વેરાના હેતૂથી થતી લેવડ-દેવડ માટેનો માર્ગ પણ મોકળો થઇ ગયો છે. હવે આવતીકાલથી ટીડીએસ અને ટીસીએસના નવાં નિયમો અમલમાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આવક વેરા રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કરનારે ભારે દંડ ચૂકવવો પડશે.

1 જુલાઇથી અમલી બનતાં નાણાંકીય ધારો-2021ના નવા નિયમો મુજબ હવે વેરા વસૂલાતનો બોજો વેંચનાર પરથી હટીને ખરીદનારના ખભ્ભા પર આવી રહ્યો છે. માલ-સામાનની ખરીદી પર ટીડીએસ એટલે કે ટેક્સ ડીડક્શન એટ સોર્સનો અમલ શરૂ થઇ જશે. એનો મતલબ એ થયો કે આવક વેરાના ગયા વર્ષે જે ફેરફારો કરાયાં છે તે હવે નવી ટીસીએસ નવી જોગવાઇઓના કારણે અગાઉ જેટલાં મહત્વના નહીં રહે. હવે ટીડીએસ અને ટીસીએસના જોગવાઇનો અમલ કરીને આવક વેરાનું માળખાનું પુર્નગઠન કરવામાં આવશે. માલની ખરીદી પર જ ટીડીએસના નિયમથી ટીડીએસની જાળ પણ વધુ વિસ્તરી જશે.

જ્યાં લેવડ-દેવડ 50 લાખથી વધુ હોય અને ખરીદનારનું ટર્નઓવર રૂા.10 કરોડથી વધી જાય તો ટીસીએસ પર ટીડીએસ લાગૂ કરવામાં આવશે. કાર, તેન્દુના પત્તા, ક્રેપ વગેરેના વેંચાતના સૌદા માટે ટીસીએસ લાગૂ કરવાનું ચાલુ રખાશે.

બીજી એક જોગવાઇ એ પણ છે કે માલ-સામાન વેચનાર અને ખરીદનાર બંનેએ ત્રીજી પાર્ટીના ટેક્સ રિટર્ન ફાઇલ થયાં કે નહીં તેની જાણકારી પણ મેળવવાની રહેશે. વર્ષે બે વખત આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાની રહેશે. ટીડીએસની લગભગ તમામ જોગવાઇઓ ઉપર આ પ્રકારનું પરિક્ષણ જરૂર રહેશે અને અમલમાં મુકવામાં આવશે. જો કે કર્મચારીઓના વેતન, લોટરી વગેરેમાંથી થતી આવક માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો નથી.

વેરા ચૂકવણી થઇ રહી છે કે નહીં અને રીટર્ન સમયસર ભરાયાં છે કે નહીં એ જોવાની જવાબદારી નક્કી કરતી વ્યવસ્થા ગોઠવીને દેશના કરવેરા માળખાએ ભારતીય કોર્પોરેટ જગતના ખભ્ભા પરથી મોટો બોજો દૂર કરી દીધો છે. આ નિયમના કારણે લેવડ-દેવડ અને સૌદાની વિગતોનો પણ મોટો ડેટા એકત્ર થશે. એ માટે પણ આઇટી તંત્ર દ્વારા સમગ્ર સિસ્ટમને અપડેટ કરવાની રહેશે. જેનાથી તમામ સૌદા પર અને તેમાં સામેલ વેચનાર-ખરીદનાર તથા ત્રીજી પાર્ટી વેરા રિટર્નના નિયમનો અમલ કરે છે કે નહીં તેનું પણ નિરિક્ષણ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.