Abtak Media Google News

કોના બાપની દિવાળી ?

ઓનલાઇન શોપિંગના વધતા જતા ક્રેઝ સામે આજા ફસાજા કંપનીઓનું પ્રમાણ પણ વધ્યું, ગ્રાહકો માટે જેન્યુન કંપની શોધવી પડકાર સમાન

સરકારે એક વર્ષમાં ઉત્પાદક દેશનું ખોટું નામ બતાવનાર ઇ કોમર્સ કંપનીઓને 202 જેટલી નોટિસો પાઠવી

અબતક, નવી દિલ્હી: બિન જવાબદાર ઇ કોમર્સ કંપનીઓ એક્સપાઈરી ડેટ, હલકી ગુણવત્તા અને ઘણીધોરી વગરની વસ્તુઓ વિપુલ પ્રમાણમાં ધાબડી રહી છે. ઓનલાઇન શોપિંગના વધતા જતા ક્રેઝ સામે આજા ફસાજા કંપનીઓનું પ્રમાણ પણ વધ્યું છે. સામે ગ્રાહકો માટે જેન્યુન કંપની શોધવી પડકાર સમાન બની છે. જો કે સરકારે હવે આવી કંપનીઓ સામે બાયો ચઢાવી છે. છેલ્લા એક વર્ષમાં ઉત્પાદક દેશનું ખોટું નામ બતાવનાર ઇ કોમર્સ કંપનીઓને સરકારે 202 જેટલી નોટિસો પાઠવી છે.

કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેણે છેલ્લા એક વર્ષમાં તેમના પ્લેટફોર્મ પર ઉત્પાદનો પર ‘મૂળ દેશ’ની ખોટી ઘોષણા કરવા બદલ ઈ-કોમર્સ કંપનીઓ સામે 202 નોટિસ જારી કરી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોના સંદર્ભમાં આવા ઉલ્લંઘનોની મહત્તમ સંખ્યા જોવા મળી હતી. ત્યારબાદ કપડાં અને ઘરના ઉત્પાદનોમાં પણ આવું ફ્રોડ જોવા મળ્યું છે.

217 નોટિસોમાંથી 202 નોટિસ ‘મૂળ દેશ’ ના ધોરણને લગતા ઉલ્લંઘન માટે જારી કરવામાં આવી હતી. બાકીની 15 નોટિસમાં એક્સપાયરી ડેટની ખોટી ઘોષણા, ઉત્પાદક અને આયાતકારોનું સરનામું, એમઆરપી કરતાં વધુ ચાર્જ, બિન-માનક એકમો અને ચોખ્ખી માત્રા માટે હતી. જો કે, ગ્રાહક બાબતોના મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓ નામ જાહેર કર્યા નથી જેમને નોટિસ જારી કરવામાં આવી હતી.

જ્યારે સરકારને પૂછવામાં આવ્યું કે શા માટે સરકાર ઉલ્લંઘન માટે કંપનીઓનું નામ લેતી નથી. ત્યારે ગ્રાહક બાબતોના સચિવ લીના નંદને જણાવ્યું હતું કે, અમે કંપનીઓ અને ગ્રાહકો બંનેને ચેતવણી આપવા માટે આ કવાયત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કંપનીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ ગ્રાહકની ફરિયાદોના નિવારણના સંદર્ભમાં કાયદેસર રીતે જાળવણી યોગ્ય હોય તે કરે. ગ્રાહકોને તેમના અધિકારો જાળવવાની જરૂર છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના ચીફ કમિશનર અને મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરે જણાવ્યું હતું કે, લગભગ 76 કંપનીઓ દ્વારા આવી રીતે ખોટુ કરીને 42,85,400 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. તેણીએ ઉમેર્યું હતું કે, 76 કંપનીઓમાંથી, 69 કંપનીઓએ મેડ ઇન કન્ટ્રીનું નામ ખોટું દર્શાવીને ગ્રાહકોને છેતર્યા છે, જ્યારે તેમાંથી ચાર કંપની સમાપ્તિ તારીખ માટે અને ત્રણ ઉત્પાદક તથા આયાતકારોના સરનામાના ઉલ્લંઘન માટે દંડને પાત્ર બની છે. સરકારે ગ્રાહકોના ફરિયાદના પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવ્યું છે કે ખરેએ જણાવ્યું હતું કે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન દ્વારા દાખલ કરવામાં આવેલી કેટલીક ફરિયાદોનો છેલ્લા કેટલાક મહિનામાં સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો છે.

તેઓએ ઉદાહરણ આપતા કહ્યું હતું કે રાજસ્થાનના કોટાથી આ વર્ષે એપ્રિલમાં રદ કરાયેલી ટિકિટના એરલાઇન કંપની તરફથી રૂ. 11,314 ના રિફંડનો પ્રશ્ન  ઉકેલવામાં આવ્યો છે.  ઉત્તર પ્રદેશના ઓરાઈમાંથી રૂ. 429ની કપાત બાદ મોબાઈલ રિચાર્જ ન કરવા માટેનું રિફંડ પણ ઉકેલાઈ ગયું છે.

ખરેએ જણાવ્યું હતું કે ગ્રાહકો પાસે તેમની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાનો વિકલ્પ છે.  સપ્ટેમ્બર 2020 થી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કમિશન સ્તરે ઇ-ફાઇલિંગની સુવિધા આપવામાં આવી છે જેના દ્વારા લગભગ 3,000 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં, ઇ-દખિલ દ્વારા દાખલ કરાયેલા લગભગ 183 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, એમ તેણીએ જણાવ્યું હતું.  તેણીએ નોંધ્યું કે તે નાની હોય કે મોટી રકમ સામેલ હોય, વધુને વધુ ગ્રાહકો ફરિયાદો નોંધવા માટે ઈ-ફાઈલિંગ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. દાખલા તરીકે, વિઝિયાનગરમ (આંધ્રપ્રદેશ)ના એક ગ્રાહકે એક રેસ્ટોરન્ટ સામે રૂ. 127.46 માટે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગોડ્ડા (ઝારખંડ)ના અન્ય ગ્રાહકે ઇ-કોમર્સ એન્ટિટી સામે રૂ. 39,999ની ફરિયાદ નોંધાવી હતી, એમ તેણીએ ઉમેર્યું હતું.

હવે ઇકોમર્સ પ્લેટફોર્મ પણ ગ્રાહકોનો વિશ્વાસ કેળવવા કસી રહ્યા છે કમર

ઓનલાઇન શોપિંગમાં ગ્રાહકોને છેતરપીંડીનો પણ ભોગ બનવો પડી રહ્યો છે. જેને કારણે નિર્દોષ ઇ કોમર્સ પ્લેટફોર્મ પણ બદનામ થઈ રહ્યા છે. આ સમસ્યા ટાળવા અને ગ્રાહકોનો વિશ્વાસ કેળવવા માટે હવે ઇ કોમર્સ પ્લેટફોર્મ પણ કમર કસી રહ્યા છે. એમેઝોન પણ હવે શહેરોમાં પોતાના સ્ટોર ખોલી રહ્યું છે. જ્યાં ગ્રાહકોને એક સ્ટોરમાંથી મળે તેમ ઓર્ડર ઉપર પોતાની પ્રોડક્ટ વિશ્વાસ સાથે મળે છે.

પ્રોડક્ટ કોરોના સામે 99 ટકા અસરકારક હોવાની જાહેરાત આપનાર છ કંપનીને પણ નોટિસ અપાઈ

સીસીપીએના ચીફે જણાવ્યું હતું કે તેણે ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે 56 નોટિસો જારી કરી છે, જેમાંથી 29 નોટિસ અયોગ્ય વેપાર પ્રથાઓ માટે હતી. છ કંપનીઓએ કોરોના વાયરસ સામે 99 ટકાથી વધુ અસરકારકતાનો દાવો કરતી જાહેરાતો કરી હતી. તેમને નોટિસો ફટકારવામાં આવી હતી. જેથી તેઓએ જાહેરાત પાછી ખેંચી લીધી હતી અને ચાર કંપનીઓ તેમની જાહેરાતને સુધારવા માટે સંમત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.