Abtak Media Google News

સરકારી ગાઇડલાઇન મુજબ 7 થી 10 ઓક્ટો. સુધી નવરાત્રી મહોત્સવ ઉજવાશે : નામ નોંધણી ફરજિયાત

અબતક, રાજકોટ

દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું એકમાત્ર એવું આયોજન કરવામાં આવે છે કે જ્યાં ફક્ત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝ્યુઅલ સ્ક્રીન ઇફેક્ટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે. પરંતુ આ વર્ષે સરકારની ગાઇડલાઇન મુજબ માત્ર ચારસો વ્યક્તિની જ છૂટ મળેલ હોવાથી નવરાત્રીનું દર વર્ષ જેવું આયોજન અશક્ય છે.

પરંતુ વારંવાર બાળકોનાં આગ્રહવશ બાલભવનના મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) કે જેઓ બાળકોના મનને પ્રસન્ન કરવા સતત પરિશ્રમ કરતા રહે છે. ને એટલે જ તેઓના માર્ગદર્શન મુજબ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ દ્વારા બાળ ખેલૈયાઓ માટે નવરાત્રીનું આયોજન અનોખી રીતે કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

નવરાત્રી મહોત્સવ તા.07-10-2021 થી તા.11-10-2021 સુધી રેકોર્ડેડ બાલભવનની સાઉન્ડ સિસ્ટમનાં તાલે રાસ-ગરબા નૃત્યનાં પડઘમ સાથે ઉજવાશે.

જેમાં તા.07-10 રોજ ફક્ત 5 થી 10 વર્ષ (ગૃપ-એ)નાં બાલસભ્યો માટે, તા.08-10ના રોજ ફક્ત 11 થી 16 વર્ષ (ગૃપ-બી)નાં બાળકો માટે તેમજ તા.09-10ના રોજ બહેનો માટે અને તેની સાથેસાથે આરતી શણગાર, ડાંડિયા શણગાર અને ગરબા શણગારની સ્પર્ધા રહેશે.

તા.10-10ના રોજ ઓપન રાજકોટ એટલે કે બાલસભ્યો સિવાય પણ 5 થી 10 વર્ષ (ગૃપ-એ)નાં બાળકો માટે રાસોત્સવ યોજાશે.

તા.11-10ના રોજ ઓપન રાજકોટ એટલે કે બાલસભ્યો સિવાય પણ 11 થી 16 વર્ષ (ગૃપ-બી)નાં બાળકો માટે ગરબા યોજાશે.

આ અનોખા એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા બાળકો તથા બહેનોએ બાલભવન રાજકોટ કાર્યાલયે પોતાના નામ અને ફોન નંબર નોંધાવવાના રહેશે તે મુજબ તા.01-10-2021થી ફોર્મ આપવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની હોય માટે વહેલા તે પહેલાનાં ધોરણે એન્ટ્રી સ્વીકારવામાં આવશે.

એન્ટ્રીનાં આધારે સમય સાંજે 5:00 થી 7:00 અથવા સાંજે 7:30 થી 10:00 સુધીનો રહેશે. જેની માહિતી નોટીસ બોર્ડ અને ફોન નંબર-2440930 પરથી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.