મુખ્યમંત્રીના શપથ લેતાં પૂર્વે ભૂપેન્દ્ર પટેલે છારોડી ગુરુકુલે શીશ ઝુંકાવ્યું

નવા સીએમએ સંતોના આશિર્વાદ લીધા: ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કર્યું: શપથ ગ્રહણ પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ બેઠક કરી

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કરી રાજ્યના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારવાના છે. તે પહેલાં જ નવા સીએમ છારોડી ગુરુકુલ ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિધિવત પૂજન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી પદ ગ્રહણ કરે તે પહેલાં જ નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ છારોડી ખાતે એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે દર્શને પહોંચ્યા હતા. જ્યાં નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સંતોના આશીર્વાદ પણ લીધા હતા. શાસ્ત્રીજી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્ર ગાન અને પૂર્ણકુંભ સાથે સ્વાગત કર્યું હતું અને રાજ્ય સંચાલકમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પદભાર સાંભળતા પહેલા એસજીવીપીમાં દેવ દર્શન કરી સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું. નવા સીએમ ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરતા પહેલા આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથગ્રહણ કરવાનાં છે.

ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસ સ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ મુલાકાત કરી હતી. તે ઉપરાંત શપથવિધીમાં ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભુપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં.