Abtak Media Google News
ગીરવર તળેટીમાં બે વર્ષ બાદ ફરી થશે ભકિત, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભવનાથ વિસ્તારમાં 30 જેટલી રાવટી: 300 જેટલા અન્ન ક્ષેત્રો ધમધમશે: ભાવિકોનો પ્રવાહ આજથી જ જૂનાગઢ ભણી

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

“બમ બમ ભોલેનાથ”, “જય જય ગિરનારી” ના ગગનભેદી નાદ સાથે આવતીકાલથી ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથના શિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. જે માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જ્યારે મનપા સહિતના વિવિધ તંત્ર અને વિભાગ દ્વારા યાત્રિકોની સુખાકારી માટે સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ ઉતારા મંડળ અને અન્યક્ષેત્રો આવતીકાલ સવારથી જ શરૂ થઈ જવા પામશે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિકો ભોજન પ્રસાદ, આરોગશે અને અહીં પધારતાં દેશભરનાં સાધુ, સંતો, મહંતોના દર્શન કરી ધન્યતા અનુભવવા ની સાથે-સાથે ભવનાથ ક્ષેત્રમાં ભજનની મોજ માણસે.

ગિરનાર તીર્થ ક્ષેત્ર સાધુઓનું પીયર ગણાય છે ત્યારે આ વર્ષે દર વર્ષ કરતાં વધુ સંખ્યામાં દેશભરના મહામંડલેશ્વર, થાણા ધિપતી, સહિતના સાધુ-સંતો-મહંતો મોટી સંખ્યામાં ભવનાથ ખાતે પધારશે, તેવું સંતો મહંતો માંથી સંભળાઈ રહ્યું છે, બીજી બાજુ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં કોરોના ના કારણે તમામ મેળાઓ બંધ રહ્યા હતા ત્યારે ભવનાથ ખાતે આવતીકાલથી  પાંચ દિવસીય શિવરાત્રી મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષના શિવરાત્રી મેળામાં લગભગ 15 લાખથી વધુ યાત્રિકો, ભાવિકો આ મેળામાં આવશે તેવું પણ અનુમાન થઈ રહ્યું છે.

આવતીકાલે સવારે 9 વાગ્યે જુનાગઢના પાવન પવિત્ર ભવનાથ મંદિર ખાતે ભવનાથ ક્ષેત્રના સંતો, મહંતો તથા રાજકીય, સેવાકીય, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ધ્વજાજીનું પૂજન થશે અને બાદમાં ભવનાથ મંદિર પર ધ્વજા રોહણ થશે. ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં આવેલ જુદા જુદા અખાડામાં ધ્વજા બંધાશે અને તે સાથે જ ભવનાથનો શિવરાત્રી મેળો “જય ગિરનારી” “બમ બમ ભોલે” “જય ભોલે નાથ” ના નાદ સાથે પ્રારંભ થશે.

ભવનાથનો શિવરાત્રિનો મેળો ભક્તિ સાથે ભોજન અને ભકિતનો પણ મનાઇ રહ્યો છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં આવેલા મોટાભાગના સાધુ-સંતોના આશ્રમો તથા મંદિરોમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવશે. આ સાથે લગભગ 300 જેટલા અન્નક્ષેત્ર અને ઉતાર મંડળો સેવાકીય, સામાજિક સંસ્થા અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઊભા કરવામાં આવશે. જ્યાં મેળામાં આવતા ભાવિકોને ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી સહિતના ભાવતા ભોજનો અને મીઠાઈ પીરસશે સાથે ચા, નાસ્તા, લીંબુ શરબત, છાશ, પાણીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તથા યાત્રાળુઓ માટે આરામદાયક સુવા, બેસવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

આ સાથે ભવનાથ ક્ષેત્રના તમામ મંદિરો તથા આશ્રમમાં સતત પાંચ દિવસ સુધી સંતવાણી, ભજન, લોક સાહિત્ય, ગીત, ગરબાના કાર્યક્રમો ગુજરાતના છેવાડાના ગામડાના નાના કલાકારથી લઈને મોટા ગજાના કલાકારો દ્વારા યોજાશે. તે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેનો મેળામાં પધારનાર કલા રસિકો મનભરીને આનંદ માણસે.

આ વખતે સરકાર અને તંત્ર દ્વારા શિવરાત્રી મેળાની જાહેરાત મોડી થવાના કારણે મોટા ગજાના ચકડોળ કે રાઇડ્સ આવી નથી, પરંતુ ગુજરાતભરના નાના-મોટા અનેક વેપારીઓ આ મેળામાં વિવિધ અને અવનવી વસ્તુઓ સાથે વેપાર કરવા પહોંચી ગયા છે, તો છેક મહારાષ્ટ્રથી અનેક મહિલાઓ અને પુરુષો આ ધાર્મિક મેળામાં વિવિધ પ્રકારની માળા, ગ્રહના નંગ તથા ધાર્મિક વસ્તુઓ વહેંચવા પહોંચી ગયા છે. વેપારીઓના સ્ટોલ, દુકાનો વિવિધ વસ્તુઓથી શોભી રહી છે.

મેળાની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢના સમાહર્તા રચિત રાજે આ વર્ષનો શિવરાત્રી મેળો સમગ્ર વિશ્વનો બેસ્ટ મેળો યોજાશે તેવો વહીવટી તંત્રે નિર્ધાર કર્યો છે તેવી જાહેરાત કરી હતી. જેના પગલે વહીવટી તંત્ર એ યાત્રિકોની સુખાકારી માટે તમામ પગલાં ભર્યા છે. તો બીજી બાજુ લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢના પ્રવેશદ્વાર તથા જૂનાગઢ શહેર સહિત ભવનાથ વિસ્તારમાં 30 જેટલી રાવટી ઉભી કરવામાં આવી છે. અને મોટી સંખ્યામાં જૂનાગઢ સહિત ગુજરાત પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, સહિતના સુરક્ષાકર્મીઓને એર રાઉન્ડ ધી ક્લોક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ દ્વારા સીસી કેમેરા સહિતના આધુનિક ઉપકરણોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી આ મેળામાં ભાવિકો બહોળી સંખ્યામાં ભવનાથના મેળામાં આવતા હોવાથી એસટી વિભાગ દ્વારા પણ 350 થી વધુ એકસ્ટ્રા એસટી બસો મુકવામાં આવી છે. અને એસટી બસ સ્ટેન્ડ થી લઈને શહેરના વિવિધ સ્થળોએથી પણ ભવનાથ સુધીની એસટી વિભાગ દ્વારા બસોની સવલત ઊભી કરવામાં આવી છે. આ સાથે રેલવે વિભાગ દ્વારા જુનાગઢ – સતાધાર – જુનાગઢ મીટરગેજ પણ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

આધ્યાત્મિક રીતે સર્વશ્રેષ્ઠ એવા ગિરનાર તીર્થ ભૂમિ સાધુઓનું પીયર ગણાય છે, ત્યારે આવતીકાલે સવારે 9 વાગ્યે ધ્વજા રોપણ સાથે શરૂ થનાર શિવરાત્રિના મેળા સાથે જ અહીં આવનાર આવેલા અને તપસ્વીઓ જોગીઓના ધુણા પ્રજવલિત થશે અને સેંકડોની સંખ્યામાં સાધુ-સંતો દ્વારા અલખની જ્યોત જગાવશે અને આ તપસ્વીઓનો શ્રધ્ધાળુ ભાવિકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતાની ભોજન પ્રસાદ સાથે ભજનમાં લીન થશે.

પાણી દુષિત થાય તેવા કૃત્યો  કરવા પર મનાઇ

ભવનાથ તળેટી ખાતે આવતીકાલથી શરૂ થતાં મહા-શીવરાત્રીના મેળા દરમ્યાન લોકોનાં જાહેર આરોગ્યને નુકશાન ન થાય તથા આરોગ્ય જળવાઇ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા લેવાના ભાગરૂપે જૂનાગઢના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણિયા એ એક  જાહેરનામુ બહાર પાડીને તા. 25/02/2022 થી તા. 2/03/2022 સુધી ભવનાથ વિસ્તારમાં લોકોને પીવા માટેનું પાણી દુષિત થાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.  તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ તથા તેમના દ્વારા નિયુક્ત કરેલા કર્મચારીઓને ઉપરોક્ત કામગીરીની દેખરેખ રાખવા અને યોગ્ય પગલા લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

ફટાકડા કે સ્ફોટક પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ

ભવનાથ તળેટીના મહા-શીવરાત્રી મેળા દરમિયાન મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, તથા મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થોથી આગ લાગવાની સંભાવના રહે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણિયા એ  એક જાહેરનામુ બહાર પાડીને તા. 25/02/2022 થી તા.2/03/2022 સુધી ભવનાથ ખાતે યોજાતાં મેળા ક્ષેત્ર અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા ફોડવા અને સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવેલ છે.

ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન-વે તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

ગરવા ગિરનારની ગોદમાં આવતીકાલથી પરંપરાગત રીતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની  સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાની સંભાવના હોય ટ્રાફીક નિયમન કરવા તથા સાવચેતીના પગલા લેવાનું અનિવાર્ય જણાતા  જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એ એક જાહેરનામુ બહારપાડીને તા. 25/02/2022 થી તા.1/03/2022 સુધી અમુક રસ્તાઓ વન-વે તથા અમુક રસ્તાઓ ઉપર વાહનો પાર્ક નહીં કરવા માટે નો-પાર્કિગ  જાહેર કરવા ફરમાન કરેલ છે.

વન-વે જાહેર કરાયેલ રસ્તાઓ:-
  1. ભરડાવાવ થી સોનાપુરી ત્રણ રસ્તા ફકત જૂનાગઢ શહેર તરફથી ભવનાથ તળેટી પ્રવેશ માટે
  2. સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા તરફ ફકત જૂનાગઢ શહેર તરફ જવા માટે
  3. પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગીરનાર તળેટી જવા માટે ભરડવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે.તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહનો પર્ક કરવાના રહેશે.
  4. ગીરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગીરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે.
  5. મહા શિવરાત્રી દરમ્યાન યાત્રાળુઓ તથા સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે અને મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહી.
  6. મહા શિવરાત્રીનાં દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક 10-00થી અવર જવર માટે પ્રતિબંધ રહેશે.
  7. છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ જતા વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.
  8. ગીરનાર દરવાજા થી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફક્ત જવા માટે બંધ)
  9. સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફક્ત જવા માટે બંધ)

જાહેર અને ખાનગી વિવિધ પાર્કિંગ સ્થળો નક્કી કરાયા

જાહેર પાર્કિંગ સ્થળો –

(1) નીચલા દાતાર પાસે, ખુલ્લી જગ્યા-તમામ પ્રકારના વાહનો માટે.

(2) વૃદ્ધાશ્રમ અપના ઘર, સામેની ખુલ્લી જગ્યા-તમામ પ્રકારના વાહનો માટે.

(3) જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, ભવનાથ-ટુ વ્હીલર પ્રકારના વાહનો

(4) પ્રકૃતિ ધામ,તમામ પ્રકારના વાહનો

(પ) સાયન્સ મ્યુઝિયમ સામે, તમામ પ્રકારના વાહનો

પ્રાઇવેટ વાહન પાર્કિંગ સ્થળો –  તમામ પ્રકારના વાહનો માટે

(1) ભાગચંદભાઈ સુખવાણી (કાળુભાઈ ની )વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી ભવનાથ રોડ.

(2) શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલ ની વાડી પર)

(3) જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા, મજેવડી રોડ, (માલિક શ્રી ડોલરભાઈ કોટેચા)

(4) એડવોકેટ શ્રી દિપેન્દ્રભાઈ ની વાડી-  ગીરનાર દરવાજા

(પ) અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.