Abtak Media Google News

જન્મદિવસના એક દિવસ પૂર્વે ‘ભાઈજાન’ને પનવેલ ખાતેના ફાર્મહાઉસ ખાતે થયો સર્પદંશ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને પનવેલના તેના ફાર્મહાઉસમાં સર્પે  દંશ માર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ તરત જ સલમાનને નવી મુંબઈના કામોઠેમાં આવેલી એમજીએમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક ઉપચાર આપી સલમાનને રજા આપવામાં આવી હતી. જોકે જે સર્પે દંશ માર્યો હતો તે બિનઝેરી હોવાથી ચિંતા ટળી હતી. આ ઘટના અંગે સલીમ ખાને કહ્યું હતું કે, ‘સર્પદંશ બાદ અમે સાપને ઝડપી લીધો હતો પરંતુ એ પણ એક જીવ જ છે જેથી અમે તેને જવા દીધો હતો’.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર સર્પદંશની આ ઘટના સલમાન ખાનના પનવેલ તાલુકાના વાજેપૂરમાં આવેલ અર્પિતા ફાર્મ હાઉસમાં રાત્રે ત્રણ વાગ્યે બની હતી. સલમાનને સર્પે હાથ પર હાથ ડંખ માર્યો હતો.

આ ઘટના બાદ તરત જ સલમાનને કામોઠેની એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તરત તેની સારવાર શરૂ કરી અને ઝેર વિરોધી ઈંજેકશન આપ્યા હતા. ડોક્ટરોએ તેના પર સવારના નવ વાગ્યા સુધી નજર બનાવી રાખી હતી ત્યારબાદ સલમાનની તબિયત સ્થિર અને સ્વસ્થ હોવાથી તેને રજા આપવામાં આવી હતી. સમલાનને ડંખેલો સર્પ બિનઝેરી હોવાથી તેને કોઈ વિપરીત અસર થઈ નહોતી.

સલમાનનો જન્મ દિવસ ૨૭ ડિસેમ્બર એટલે કે આજે જ  છે તેથી તે દર વર્ષે તેનો જન્મદિવસ મનાવવા પનવેલના તેના ફાર્મ હાઉસમાં આવવાનું પસંદ કરે છે. આ વખતે પણ સલમાન તેનો જન્મદિવસ મનાવવા અહીં આવ્યો હતો. દરમ્યાન આ ઘટના બની હતી. આ ફાર્મહાઉસ વન વિસ્તારમાં આવેલો હોવાથી અહીં અવારનવાર ઝેરી જીવ- જંતુ, પ્રાણીઓની અવરજવર રહેતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.