જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ૧૫ દિવસમાં કબ્જો સોંપી દેવાશે

૫૬૦ આવાસોનો ડ્રો સંપન્ન

૧૫ દિવસમાં લેખિત આદેશ સાથે કબ્જો અપાશે

જામનગરમાં મહાપાલિકાની આવાસ યોજનાના ડ્રો બાદ હવે લાભાર્થી જરૂરી કાર્યવાહી કર્યો ૧૫ દિવસમાં કબ્જો સોંપી દેવાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ જુદા જુદા વિસ્તારોમાં આવાસના મકાનો બનાવ્યા છે જે પૈકીના ૫૬૦ આવાસો તૈયાર અવસ્થામાં છે, જેની સોંપણી કરવા માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં ૧,૪૩૨ ફોર્મ ભરનાર આસામીઓ નો કોમ્પ્યુટરથી ડ્રો કરવામાં આવ્યો હતો, અને પસંદગી પામનાર લાભાર્થીઓની યાદી  જામ્યુકોની કચેરીમાં નોટિસ બોર્ડ ઉપર તેમજ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, અને ૧૫ દિવસમાં તેના લેખિત ઓર્ડર આપીને મકાનોની સોંપણી કરવામાં આવશે.  જામનગર મહાનગરપાલિકા દ્વારા બેડી ઓવરબ્રિજ પાસે આવાસના મકાનો બનાવ્યા છે તેમજ ઘાંચીકોલોની વિસ્તારમાં રવિ પેટ્રોલપંપ પાસે, મયુર નગર વિસ્તારમાં, અને એમ.પી.શાહ ઉદ્યોગનગર સહિત જુદા જુદા પાંચ વિસ્તારોમાં અલગ અલગ યોજનાઓ હેઠળ મકાનો બનાવવામાં આવી રહ્યા છે. જે પૈકી કુલ ૧,૪૩૨ આસામીઓ એ ૨૦,૦૦૦ની ડીપોઝીટ ભરી ને મકાનો માટે નોંધણી કરાવી હતી, તે પૈકી હાલ મહાનગરપાલિકા દ્વારા ૫૬૦ આવાસ રેડી પઝેશનમાં હોવાથી તેની સોંપણી કરવા માટેના કોમ્પ્યુટરાઈઝ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શુક્રવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટીના હોલમાં પ્રથમ માળે કોમ્પ્યુટરાઈઝ ડ્રો રાખવામાં આવ્યો હતો, અને તેમાં સૌપ્રથમ ૫૬૦ લાભાર્થીઓ માટેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જે યાદી જામનગર મહાનગરપાલિકાના સ્લેમ વિભાગના ચોથા માળે આવેલા નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત જામ્યુકોની વેબસાઇટ પર પણ મુકી દેવામાં આવી છે. જેથી પસંદગી પામનાર લાભાર્થીઓ પોતાના નામોની યાદી ઉપરોક્ત બંને સ્થળેથી જોઈ શકશે.  જામનગર મહાનગરપાલિકા દ્વારા પસંદગી પામેલા લાભાર્થીઓને તેઓના મોબાઇલ ફોનમાં બે દિવસમાં મેસેજથી જાણ કરશે, જ્યારે ૧૫ દિવસમાં તમામને લેખિત ઓર્ડર પણ આપી દેશે. જેઓની વીસહજાર રૂપિયાની ડિપોઝીટ પછી બાકીના સાડા ત્રણ લાખની કેપેસિટી વાળા, તેમજ સાડા પાંચ લાખની કેપેસિટી વાળા અલગ અલગ બે કેટેગરીના મકાનોની સોંપણી કરવામાં આવશે અને બાકીની રકમના ૧૦ હપ્તા કરી આપવામાં આવશે. એક વર્ષમાં બાકીની રકમ મહાનગરપાલિકાની કચેરીમાં ભરપાઈ કરી દેવાની રહેશે.