દિપાવલીથી લાભપાંચમ સદ્દગુરૂ આશ્રમમાં પૂ.ગૂરૂદેવની સંગાથે જાજરમાન જન્મજયંતી મહોત્સવ

મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુના વરદ હસ્તે આરતી,અન્નકુટ, પ્રસાદ અને આર્શિવચનનો કાર્યક્રમ

ભગવાનની તપભીની ચરણપાદુકા સ્પર્શ દર્શન; મંગલકારી મહાપ્રસાદ; સામુહિક ચોપડા પૂજનો અલભ્ય લ્હાવો

આશ્રમ રોડ પર આવેલા અને માનવ સેવાની પ્રવૃતિઓથી ધમધમતા તિર્થભૂમિ સમા શ્રી સદ્ગુરૂ સદન – પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના તપશ્રીના આશ્રમમાં તા. ૨૭/૧૦ થી તા. ૧/૧૧ શુભ દિપાવલીથી લાભ પાંચમ સુધીના વિવિધ ઉત્સવોથી ભરચક્ક પર્વલક્ષી કાર્યક્રમો સાથે સદ્ગુરૂ પરમાત્માનો જન્મ જયંતી મહોત્સવ ઉજવાશે. આ પૂણ્યોત્સવના સાત દિવસ ખુદ શ્રી રામની હાજરાહજુર સાન્ધિમાં રહ્યાંની મંગલમય અનુભૂતિ કરાવશે અને ગુરૂદેવ મચ્છર જેવા જંતુને બ્રહ્મ બનાવી શકે તથા એજ બ્રહ્યાને મચ્છર બનાવી શકે એવું ઐશ્વર્ય તેમજ પરમેશ્વરી શક્તિ ધરાવતા હોવાની પ્રતીતિ કરાવશે.

સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણીએ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તા. ૨૭/૧૦ રવિવારે શુભ દિપાવલીના દિવસે પ્રાત: કાળે મંગળા આરતી થશે. શ્રી નિજ મંદિરમાં દર્શનનો સમય સવારે ૫-૩૦ થી બપોરના ૨-૩૦ સુધી અને સાંજના ૪ થી રાત્રિના ૧૧ સુધી રહેશે. સાયંકાલીન આરતીનો સમય સાંજના ૭ વાગ્યે રહેશે

શ્રી સમૂહ ચોપડા પૂજનનો સમય સવારે ૧૧-૧૧ મિનિટે ગુરૂના હોલમાં અમૃત ચોધડિયામાં રહેશે.

તા. ૨૮/૧૦ સોમવાર – નુતનવર્ષના શુભ દિને સવારે ૫-૩૦ વાગ્યે મંગળા આરતી, સાંજે ૭ વાગ્યે સાધ્ય આરતી, નિજ મંદિરમાં દર્શનનો સમય ૫-૩૦ થી બપોરે ૧-૩૦ સુધી અને સાંજના ૪ થી ૧૧ સુધી રહેશે.

તા. ૨૮/૧૦ સોમવારે રામજી મંદિર પોપટપરામાં અન્નકુટ દર્શન પ્રથમ આરતીનો સમય બપોરે ૧ કલાકે સાયંકાલીન આરતીનો સમય રાત્રિના ૮ કલાકે અન્નકુટની ભેળરૂપી પ્રસાદીનો સમય રાત્રિના ૮-૩૦ થી રાત્રિના ૯-૩૦ સુધી રહેશે. સ્થળ શ્રી રામજી મંદિર ૫/૧૨ પોપટપરા રાજકોટ.

તા. ૩૧/૧૦ ગુરૂવાર કારતક સુદ – ૪, સદગુરૂ ભગવાનની જન્મ જયંતીનો જાજરમાન મહોત્સવ યોજાયો છે. આ મંગલકારી દિને સવારે ૫-૩૦ વાગ્યે મંગળાઆરતી, સવારે ૯ થી ૧૦-૩૦ પૂ.સદ્દગુરૂ ભગવાનનું પુજન – રામરક્ષા સ્ત્રોત, અભિષેક, પ્રાર્થના સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ સ્તવરાજ પાઠ – શ્લોકો –  પુષ્પાંજલી સાથે સર્વે ભાઇ બહેનોની સામૂહિક ઉપસ્થિતીમાં ૧૧ વાગ્યે ગુરૂદેવ ભગવાનની જન્મ જયંતી નિમિતે મહાભંડારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતભરના સાધુ સંત ભગવાનની પધરામણી થશે અને ગુરૂ ભગવાનનો જય જયકાર ધોષિત થશે.

સવારે ૧૦:૩૦ વાગ્યાથી બપોરના ૧-૩૦ અને બપોરે ૪ થી રાત્રિના ૧૧-૩૦ વાગ્યા સુધી ભગવાનશ્રીની તપભીની ચરણચાદુકાના સ્પર્શ દર્શનનો અલૌકિક લ્હાવો સાંપડશે. ગુરૂ મઢીમાં પ્રાત ૪ કલાકે શ્રી રામ ચરિત માનસજીના અખંડ પાઠનું આયોજન થયું છે.

સવારે ૧૧ થી ૨-૩૦ વાગ્યા સુધી મહાપ્રસાદ ભોજનનું કલ્યાહાકારી આયોજન થયું છે. જેનો લાભ લઇને આખું વર્ષ નિરામય બનવા રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના અને તમામ બહારગામના ધર્મપ્રેમી ભાઇઓ, બહેનો, બાળકોને સપરિવાર લાભ લેવા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

મહા પ્રસાદનું સ્થળ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, સિધ્ધિ વિનાયક પાર્ક, નાગબાઇ પાનવાળી શેરી ભાગવત સપ્તાહવાળું ગ્રાઉન્ડ ખાતે છે.

આ ઉપરાંત બ્લડ બેન્ક ડોનર બેન્ક દ્વારા સિવીલ હોસ્પિટલના થેલેસેમિયાના બાળ દર્દી શ્રી સદગુરૂ બ્લડ ડોનેશન કેમ્પ તા. ૩૧ ગુરૂવારે સવારે ૧૧-૩૦ થી ૧-૩૦ સુધી અને સાંજે ૫-૩૦ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યોજાયેલ છે.

તા. ૧-૧૧ ગુરૂવારે લાભ પાંચમના શુભ દિને સદ્દગુરૂદેવના સાનિધ્યમાં અન્નકુટનું આયોજન થયું છે. એની પ્રથમ આરતી બપોરે ૧ વાગ્યે થશે અન્નકુટના દર્શનનો સમય બપોરે ૧-૩૦ થી ૮ સુધી રહેશે.

શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના વરદ હસ્તે અન્નકુટની બન્ને આરતી થશે જે સોનામાં સુગંધરૂપ બનશે.