ભાજપને ભરી પીવા બંગાળની ‘વાઘણ’ છુટી!!

બંગાળનું રાજકારણ ઉકળતો ચરૂ બન્યો: મમતા બેનર્જીએ નંદીગ્રામ પરથી ચૂંટણી લડવાનો પડકાર જીલી લીધો: રાજ્યમાં ડુ ઓર ડાઈના જંગના મંડાણ

પં.બંગાળ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાષ્ટ્રીય રાજકારણમાં બંગાળની વાઘણની છાપ ધરાવતા મમતા બેનર્જીને પરાસ્ત આપવા માટે મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસના તમામ પ્રતિસ્પર્ધીઓએ હાથ મિલાવી લીધા છે અને ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ તૃણમુલ કોંગ્રેસના અને મમતા બેનર્જીના વિશ્ર્વાસુ ગણાતા સુવેન્દુ અધિકારીનો ભાજપે હાથ જાલી લીધા બાદ ભાજપના પડકારને ઝીલીને મમતા બેનર્જીએ પોતાના પરંપરાગત બેઠકના બદલે નંદીગ્રામની એકમાત્ર બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કરી પોતાનું આક્રમક વલણ અને પડકારો ઝીલી લેવાની તબીયતનો પરચો આપ્યો છે.

પં.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ગઈકાલે જ ભાજપના પડકારને સ્વીકારીને નંદીગ્રામ બેઠક પરથી જ વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 291 ઉમેદવારોમાંથી તૃણમુલ કોંગ્રેસે શુક્રવારે મમતા બેનર્જીનું એકનું જ નામ જાહેર કરીને પક્ષે દાર્જિલીંગ, કલીનપોંગ અને કુરસેનની બેઠક પહેલા નંદીગ્રામ બેઠક અંગેની જાહેરાત કરી દીધી હતી.

ભાજપના નેતાઓએ થોડા અઠવાડિયા પહેલા જ પડકાર ફેંક્યો હતો કે તે પોતાની મુળભૂત દક્ષિણ કલકત્તાની ભવાનીપુરની બેઠકના બદલે ઉત્તર મદીનાપુરના શહેરી વિસ્તાર ગણાતા સિંગુર નજીકના નદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડે તો ખરા કહેવાય. મમતા બેનર્જીએ આ પડકાર ઉપાડીને 2011માં ડાબેરી મોરચાને જબરી પરાસ્ત અપાવનાર નંદીગ્રામની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. મમતા બેનર્જીએ આ નિર્ણય અંગે પોતાના પ્રતિભાવમાં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, નંદીગ્રામની ચૂંટણી લડવાના મારા શબ્દો પર હું અડગ છું, આ ચૂંટણી મારા માટે સૌથી સરળ બની રહેશે. આ ખેલ હવે શરૂ થઈ ચૂક્યો છે, અમે જીતશું, હું માં, મતિ અને માનુષને મારા પર વિશ્ર્વાસ રાખવાની અપીલ કરૂ છું, બીજી તરફ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ ભવાનીપુરથી નંદીગ્રામ સુધી લાંબો કુદકો માર્યો છે તે દોડી શકશે પણ છુપાઈ નહીં શકે. તેમના માટે હવે બંગાળમાં એક પણ બેઠક સંપૂર્ણ સલામત રહી નથી.

મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, નંદીગ્રામની એક જ બેઠક પરથી ચૂંટણી લડવા હું મારૂ વચન પાળવા જઈ રહી છું, આ મારા માટે હસ્તે-હસ્તે જીત મળે તેવી ચૂંટણી છે. આ મારા માટે અઘરી લડાઈ નથી, ખેલ શરૂ થઈ ગયો છે, જોઈ લેશું અને અમે જ જીતીશું. મમતાએ જણાવ્યું હતું કે, બંગાળમાં પ્રજાનું શાસન હશે કે જેઓ અહીં રહે છે અને ક્યાંયથી આવ્યા નથી. તૃણમુલ કોંગ્રેસે સોભનદેવ ચટોપાધ્યાયને હવે ભવાનીપુરમાંથી અન્ય સ્થળે ફેરવ્યા છે. હજુ ટોલીગંજ બેઠક માટે તૃણમુલ કોંગ્રેસમાં અસમંજસ પ્રવર્તી રહ્યો છે. અનુપ વિશ્ર્વાસે જણાવ્યું હતું કે, હું પણ ચૂંટણી લડવાનો છું. આ વિસ્તારમાંથી ફિલ્મ અભિનેતાઓ અને રમતવિરોને મેદાનમાં ઉતારવામાં આવે છે. સોનાલી ગુહા, બચુ હનસા, રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, રવિરાજન ચેટર્જી, જોતુ લહેરી, સમીર ચક્રવર્તી, સ્મીતા બક્ષી, માલા શાહ, અમલ આચાર્ય, વ્રજ મજમુદાર સહિતના માથાઓને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.

પહેલીવાર મમતા બેનર્જીએ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા 57 માંથી 35 કરી નાખીને પોતાની રણનીતિ બદલાવી છે. આદિજાતીના 79 અને 11 સામાન્ય અને આદિવાસીને 17 ટિકિટ આપવામાં આવી છે. આ વખતે મમતા બેનર્જીએ મહિલાઓને ટિકિટ આપવાની સંખ્યામાં 5નો વધારો કરી દીધો છે. મમતા માટે 21નો આંકડો લકી માનવામાં આવે છે. સરકાર વિનામુલ્યે અનાજ યોજના, સ્વાસ્થ્ય સાથી, દ્વારે સરકાર, ફ્રી ટેબલેટ જેવી 21 યોજનાઓ ચાલુ રાખશે.

મમતાના ગઢ ગણાતા પં.બંગાળમાં આ વખતે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. ભાજપ માટે વેપાર એટલો વકરો અને તૃણમુલ કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વનો જંગ બની રહેવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિતના ભાજપના દિગ્ગજો પં.બંગાળની ચૂંટણીને લઈને જંજાવત ચૂંટણી પ્રચાર કરવાના છે.

પં.બંગાળની વિધાનસભા જંગમાં ભાજપને ભરી પીવા બંગાળની વાઘણ છુટી ચૂકી છે ત્યારે આ વખતે ન ભુતો ન ભવિષ્યતિ… જેવો ચૂંટણી જંગ નિશ્ર્ચિત મનાઈ રહ્યો છે. ભાજપ માટે અસ્તિત્વનો જંગ બની રહેનારી આ ચૂંટણીમાં ભાજપ સાથે મમતા બેનર્જીના તમામ હરિફોએ સાથે મળી એક નવી રણનીતિ અખત્યાર કરી ચૂક્યા છે. ધાર્યું કરવા માટે મક્કમ અને રાજહઠ અને સ્ત્રીહઠ માટે જાણીતા મમતા બેનર્જી હવે ખરા અર્થમાં આક્રમક બનીને ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે ત્યારે વાઘણનું આક્રમણ કેવું હોય તે આ વખતે બંગાળની ચૂંટણીઓમાં દેખાશે. હવે રમત શરૂ થઈ ચૂકી છે. ભવાનીપુરથી શરૂ થયેલી આ રાજકીય રેસ પં.બંગાળના રાજકારણમાં કેવા વણાંક લાવશે તે સમગ્ર દેશના રાજકારણ માટે મહત્વનું બની રહેશે. અત્યારે તો ભાજપને ભરી પીવા બંગાળની વાઘણ છુટી હોય તેવો માહોલ ઉભો થયો છે.

મમતા સામે સુવેન્દુનો લલકાર આપણે ‘રણ મેદાન’માં જોઈ લેશું

મમતા બેનર્જીએ ભાજપનો પડકાર ઉપાડીને નંદીગ્રામની બેઠક પરથી જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. બીજી તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી જીતશે કે રાજકીય રીતે પતી જશે તેનો નિર્ણય જાહેર થશે. ગઈકાલે મમતા બેનર્જીએ 291 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં પોતે વર્તમાન ભવાનીપુરની બેઠકના બદલે નંદીગ્રામની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. મમતા બેનર્જીના આ નિર્ણય અંગે ભાજપ પ્રમુખ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ખેલ શરૂ થઈ ગયો છે, હવે તો પરિણામ રણ મેદાનમાં જ જોઈ લેશું.

નંદીગ્રામનું શિંગુર નરેન્દ્ર મોદી માટે બન્યું હતું ટર્નીંગ પોઈન્ટ

પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનો મત વિસ્તાર ફેરવવાનો નિર્ણય કરીને રાજકીય રીતે હલચલ મચાવી દીધી છે. જ્યાંથી ચૂંટણી લડવાના છે તે નંદીગ્રામમાં શિંગુર ઉદ્યોગીક વસાહત આવેલી છે જે આદિવાસી વિસ્તાર ગણાય છે. શિંગુરમાં ટાટાના નેનો પ્લાનની સ્થાપના સામે પર્યાવરણ અને આદિવાસી ખેડૂતોની જમીન મુદ્દે મમતા બેનર્જીએ વિરોધ કરીને ટાટાના પ્લાનને અટકાવ્યો હતો. ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તક ઝડપીને ટાટાના નેનો પ્લાનને ગુજરાતમાં લાવવા માટેની તક ઝડપી હતી અને 32000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવવામાં ગુજરાતને સફળતા મળી હતી. વડાપ્રધાન માટે ગુજરાતના ઔદ્યોગીકરણને વેગ આપવાનો રોડ મેપ શિંગુરમાંથી ટાટા પ્લાન હટવાથી ઉભો થયો હતો. મમતા બેનર્જીએ જ નંદીગ્રામમાંથી નરેન્દ્ર મોદીનો ઉદય કરાવ્યો હતો તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

Loading...