બેંગ્લુરુ: યુવકે કોરોના પરીક્ષણ માટે ના પાડતા થઈ તેની આવી હાલત, વિડિયો થયો વાયરલ

કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા રસીકરણ અભ્યાન સાથે કોરોના પરીક્ષણને પણ વેગ આપવામાં આવ્યો છે. કોરોના પરીક્ષણને લઈ કર્ણાટકના બેંગ્લુરુમાંથી એક અલગ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

બેંગ્લુરુમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક યુવકને કોરોના પરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે આ યુવકે ના પાડી ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, બીબીએમપી કમિશનરે આ ઘટનાની નિંદા કરી છે, અને તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.


વાયરલ થયેલો આ વીડિયો બેંગાલુરુના નાગરથપેટ વિસ્તારનો હોવાનું જણાવાયું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરાને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બળજબરીથી કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, જ્યારે છોકરાએ વિરોધ કર્યો ત્યારે ગુસ્સે ભરાયેલા આરોગ્ય કર્મચારીઓએ તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન, છોકરાનો એક મિત્ર તેનો બચાવ કરવા આગળ આવ્યો, પરંતુ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ તેની અવગણના કરતા પેલા યુવકને મારતા રહ્યા.

યુવકને કોવિડ પરીક્ષણ માટે બનાવેલા ડેસ્ક પર લઇને જમીન પર ધક્કો માર્યો હતો. આ સમય દરમિયાન, યુવકનો મિત્ર તેના મોબાઇલ ફોન પર બધી ઘટનાઓ રેકોર્ડ કરતો રહ્યો. આ દરમિયાન, ઘટનાસ્થળ પર આવેલા કેટલાક લોકોએ આ યુવકને બચાવી લીધો હતો. લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે. સતત ટ્વીટ પણ કરવામાં આવી રહ્યું છે.


આ મામલે બીબીએમપી કમિશનરે જણાવ્યું હતું કે, ‘નાગરથપેટ પરીક્ષણ બૂથ પર બનેલી ઘટનાનું અમને દુખ છે. ઈચ્છા વિરુદ્ધ પરીક્ષણ કરવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. આ મામલાની તપાસ કરવામાં આવશે, સાથે જ તે કેમ બન્યું તે શોધી કાઢી આ કેસ માટે કોણ જવાબદાર છે, તે બધી બાબતો વિશે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવશે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલા લેવામાં આવશે.’