Abtak Media Google News

કેન્સર એ દીર્ઘકાલીન રોગ છે જે આપણા શરીરના અનેક ભાગોને અસર કરી શકે છે.માનવશરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલીક આંતરિક ખામી અને બાહ્ય પરિબળોના કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજનની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબૂ બહારની વૃધ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે જેને કેન્સર કહે છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મત અનુસાર દુનિયાભરમાં રોગોને કારણે થતા રોગમાં કેન્સર બીજા નંબરે છે.

વૈશ્વિક સ્તરે, 2010-2019 સુધીમાં કેન્સરના કેસોમાં 21% અને મૃત્યુમાં 26% વધારો થયો છે- કેન્સરના કેસોની સંખ્યા 2020 માં 13.9 લાખથી વધીને 2025 સુધીમાં 15.7 લાખ થવાની સંભાવના છે, જે લગભગ 20% નો વધારો છે. જો કે, એક સારી બાબત એ છે કે સામાન્ય કેન્સરમાંથી ઓછામાં ઓછા એક તૃતીયાંશ રોકી શકાય તેવા છે.

પુરુષોમાં ફેફસા, ગળા અને કોલોરેક્ટલ અને સ્ત્રીઓમાં સ્તન , ગર્ભાશયના મુખનું કેન્સર સામાન્ય રીતે વધુ જોવા મળે છે.જો અહીં દર્શાવેલા ચિહ્નો જણાય તો તરત જ તેના તરફ બેદરકારી દાખવ્યા સિવાય જો સજાગ રહી તાકીદે સારવાર તેમજ યોગ્ય પગલાં લેવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

1) સતત ઉધરસ આવવી:

ફેફસાના કેન્સરનો પણ સૌથી અગ્રણી કેન્સરમાં સમાવેશ થાય છે. વધતા પ્રદૂષણ, ધૂમ્રપાન અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે આ કેન્સર સતત ફેલાઈ રહ્યું છે.ફેફસાના કેન્સરનું સૌથી મોટું લક્ષણ સતત ઉધરસ છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, જો કોઈને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ઉધરસ રહે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.ફેફસાના કેન્સરના લક્ષણો શરૂઆતમાં દેખાવા લાગે છે, પરંતુ લોકો તેની અવગણના કરે છે અને સમયસર સારવાર માટે ડોક્ટર પાસે જતા નથી. આ પછી, આ રોગ જીવલેણ બની જાય છે.

2) સ્તનના ભાગમાં સોજો કે ગાંઠ જણાવી :

સ્તન કેન્સરના લક્ષણોમાં સૌથી સામાન્ય ચિહ્ન સ્તનની ગાંઠ છે. જે બગલની નીચે તમારી છાતી નજીક ગમે ત્યાં ગાંઠ હોઈ શકે છે. નિપ્પલમાંથી રક્તસ્રાવ અથવા સ્રાવ આવી શકે છે. તેમજ તેને સંબંધિત પીડા થઈ શકે છે. સ્તનના કોઈ પણ ભાગમાં લાલાશ અથવા સોજો હોઈ શકે છે. મોટેભાગે સ્તનની ગાંઠમાં કોઈ દુઃખાવો થતો નથી. આ પેઇનલેસ ગાંઠ કૅન્સર માટે વધુ ખતરા સમાન છે. જો સમયાંતરે બ્રેસ્ટનું સ્વપરિક્ષણ કરવામાં આવે તો કેન્સરની ગાંઠ ઓળખવામાં સરળતા રહે છે.

3) અચાનક જ વજન ઓછુ થવુ:

જે વ્યક્તિ કૅન્સરના રોગથી પીડાય રહ્યું હોય તેના વજનમાં કોઈપણ પ્રકારના કારણ વિના અસામાન્ય ઘટાડો જણાય છે. અમેરિકન કેન્સર સોસાયટીના મત મુજબ જો અસામાન્ય ઘટાડો થાય તો તે પેટ, સ્વાદુપિંડ, ફેફસા અને અન્નનળીને સંલગ્ન કેન્સર સાથે સંકળાયેલો હોય છે.

4) અસામાન્ય દુખાવો અને અગવડતા:

જ્યારે શરીરના કોઈ ભાગમાં લાંબા સમયથી દુખાવો થઈ રહ્યો હોય તો તેને સહેજ પણ અવગણવો ન જોઈએ ખાસ કરીને જ્યારે એ દુખાવાનું કોઈ કારણ જણાય ત્યારે તો સહેજ પણ નહિ આ સિવાય ત્વચાના કોઈ ભાગમાં ખજવાળ આવે કે ફોલ્લા જણાય તો તેને અવગણવા નહી.

5) યુરીનમાં લોહીનુ જણાવવુ:

હિમેટ્યુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. આ એક સામાન્ય લક્ષણ છે અને નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ તે થઈ શકે છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ફરિયાદ ખૂબ જ ગંભીર રોગનું પ્રથમ લક્ષણ પણ હોઈ શકે છે. આધેડ વયની વ્યક્તિમાં દર્દ વગરનું હિમેટ્યુરિયા હોય તો તે કેન્સરની નિશાની ગણી શકાય અને તેથી જ આ તકલીફને પ્રાથમિકતા આપીને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.