Abtak Media Google News

સરકાર કંપનીનો 3.5% હિસ્સો રોકાણકારોને વેંચશે: આજે બોર્ડ બેઠકમાં આઈપીઓની તારીખો ઉપર લાગશે અંતિમ મહોર

દેશના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઈસીનો આઈપીઓ 4મી મેના રોજ ખુલશે અને 9 મે સુધી રોકાણકારો આ જાહેર ભરણામાં શેરો માટે અરજી કરી શકશે. મળતી માહિતી પ્રમાણે એલઆઈસી બોર્ડ આજે એક મહત્વની બેઠક યોજશે, જેમાં એલઆઈસીના આઈપીઓને લગતી તારીખને મંજૂરીની મહોલ લાગશે. એટલે કે આ બેઠકમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં સરકાર 5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવતી હતી. જોકે હવે આઈપીઓ માટે સરકાર 3.5 ટકા શેર જ રજૂ કરશે. આઇપીઓ માટે એલઆઈસીનું વેલ્યુએશન રૂપિયા 6 લાખ કરોડ છે. આ દ્રષ્ટિએ હવે આ આઈપીઓનું કદ રૂપિયા 21,000 કરોડનું હશે. જોકે એક અધિકારીએ કહ્યું છે કે માર્કેટમાં માગ સારી રહેશે તો સરકાર તેને 5 ટકા સુધી વેચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના 13 ફેબ્રુઆરીના રોજ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં સરકારે 31.62 કરોડ શેર રજૂ કરવાની દરખાસ્ત કરી હતી, જે કુલ ઈક્વિટી શેરનો આશરે 5 ટકા જેટલો હિસ્સો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની નાણાં નીતિમાં વ્યાજ દરોને લઈ કડક વલણ અપનાવવા જઈ રહી હોવાથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ ભારતીય શેરબજારમાં વ્યાપક પ્રમાણમાં વેચવાલી કરી રહ્યા હોવાથી બજાર સેન્ટીમેન્ટમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે, આ સ્થિતિમાં એલઆઈસી તેનું પ્રારંભિક જાહેર ભરણું રજૂ કરવા સજ્જ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.