‘રિફ્રેશમેન્ટ’ શોખીન યુવાનો ચેતજો: ઠંડા પીણાને લઈ આંતરડાના કેન્સરનો ખતરો વકર્યો!!

વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક સર્વેમાં થયો ધડાકો: ફ્રૂટ જ્યુસ પણ કેન્સરનું કારણ બની શકે

ઠંડા પીણા ઉપર કરાયેલા સર્વેમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ હાલ આ બાબતે કોઈ સચોટ પુરાવા આપી શક્યા નથી પરંતુ જે વિગતો બહાર આવી છે તે મુજબ, ઠંડા પીણા પીવાથી આંતરડાના કેન્સરનો ભય ખૂબ વધી જાય છે.

આંતરડાના કેન્સરનો શિકાર થતાં મોટાભાગના લોકોની ઉંમર ૫૦ વર્ષથી નીચે હોય છે. વર્ષ ૧૯૫૦ના દાયકામાં જન્મેલા લોકો અને ૧૯૯૦ના દાયકામાં જન્મેલા લોકોનો આધાર લઇને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં પચાસના દાયકામાં જન્મેલા લોકોથી ૯૦ના દાયકામાં જન્મેલા લોકોમાં આંતરડાના કેન્સરનું પ્રમાણ બમણું જોવા મળ્યું છે.

આ સર્વે મેડિકલ જર્નલ જી.યુ.ટી.માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સર્વે ૯૪,૪૬૪ લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ ૧૯૯૧ થી ૨૦૧૫ સુધી ૨૫ વર્સથી માંડી ૪૦ વર્ષ સુધીના લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાંથી ૪૧ હજાર જેટલા લોકો ઠંડા પીણાનું સેવન કરી રહ્યા હતા. આ સેવન તેઓ ૧૩ થી ૧૮ વર્ષની ઉંમરે કર્યું હતું.

આ અભ્યાસમાં ઠંડા પીણા તરીકે સોંગત ડ્રિંક્સ, સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ઠંડા પીણાનું સેવન કરનારા ૧૦૯ લોકો ભવિષ્યમાં આંતરડાના કેન્સરનો શિકાર થયા હતા. નોંધનીય બાબત છે કે, આ લોકો અન્ય કોઈ વ્યસન ધરાવતા ન હતા. આંતરડાના કેન્સરનું મુખ્ય કારણ ઠંડા પીણામાં રહેલો સુગરી દ્રવ્ય હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે.

આ પ્રકારના અભ્યાસ બાદ બજારમાં મળતા પીણા સ્વાસ્થ્ય માટે કેટલા અંશે હાનિકારક છે તેનો અંદાજ લગાવી શકાય છે. લોકો રિફ્રેશમેન્ટ માટે આ પીણાનો ઉપયોગ કરતાં હોય છે પણ રિફ્રેશમેન્ટ નહીં આ પીણાં અતિ માંદા પણ કરી શકે છે.