ભાદર ઓવરફલો થવામાં 4.70 ફૂટ આજી છલકાવામાં 1.40 ફૂટ છેટુ

રાજકોટ જિલ્લાના 14 અને જામનગર જિલ્લાના 16 ડેમો મેઘ મહેરથી છલકાય ગયા

સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના 14 જળાશયો અને જામનગર જિલ્લાના 16 જળાશયો ઓવરફલો થઈ ગયા છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. ભાદર ડેમ ઓવરફલો થવામાં હવે 4.70 ફૂટ અને આજી છલકાવામાં હવે માત્ર 1.40 ફૂટ બાકી રહ્યું છે. સોમવારે સાંજથી મેઘરાજાએ વિરામ લેતા જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6.56 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી 29.30 ફૂટે પહોંચી જવા પામી છે. 6644 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ડેમમાં હાલ 4666 એમસીએફટી પાણી સંગ્રહિત છે. હવે  ડેમ ઓવરફલો થવામાં 4.70 ફૂટ બાકી છે. જ્યારે આજી ડેમમાં નવું 9 ફૂટ પાણી આવ્યું છે.

29 ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી 27.60 ફૂટે પહોંચી જવા પામી છે. હવે ડેમ છલકાવવાના 1.40 ફૂટ બાકી છે. 933 એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતા આજીમાં હાલ 832 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જિલ્લાના મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, વાછપરી, વેરી, ન્યારી-1, ન્યારી-2, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-1 છલકાય ગયા છે.

મોરબી જિલ્લાના બંગાવડી ડેમ છલકાય ગયો છે. આ ઉપરાંત મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-1, ડેમી-2, બ્રાહ્મણી અને ડેમી-3 ડેમમાં પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના પન્ના, ફુલઝર-1, સપડા, ફુલઝર-2, વિજરખી, ફોફળ-2, ઉંડ-3, રંગમતી, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, ફુલઝર (કોબા), રૂપારેલ, ઉમીયા સાગર અને સસોઈ-2 ડેમ ઓવરફલો થઈ ગયો છે. દેવભુમિ દ્વારકા જિલ્લાનો વર્તુ-1, સોનમતી, કાબરકા ડેમ છલકાય ગયો છે. ગત સાંજથી મેઘરાજાએ વિરામ લેતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે.