અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો યોજાશે ? વાંચો, તંત્રની શું છે તૈયારી ?

કોરોનાનું સંક્રમણ ફરી ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાતા લોકમેળા બંધ રાખવામાં આવ્યા છે. દરમિયાન વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ શક્તિપીઠ એવા અંબાજી માતાજીના સાનિધ્યમાં દર વર્ષ યોજાતો ભાદરવી પુનમનો મેળો સતત બીજા વર્ષ પણ ન યોજાઈ તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.શક્તિપીઠ એવા અંબાજીના ભાદરવી પુનમે યોજાતા પરંપરાગત મેળાના છ માસ પૂર્વે વહિવટ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે.

પરંતુ આ વર્ષ મેળાના આડે હજી એક મહિનાથી પણ ઓછો સમય ગાળો બચ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ મેળાને મંજૂરી આપવા માટે કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો યોજાવાનો છે પરંતુ કોરોનાના કાળમાં સતત બીજા વર્ષ મેળો બંધ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

મેળાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં હજુ સુધી કોઈ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. જેના પરથી એ વાત સ્પષ્ટ થઈ જવા પામી છે કે આ વર્ષે ભાદરવી પુનમનો મેળો યોજાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમમાં સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો બંધ રાખવામાં આવ્યા છે. તરણેતરનો વિશ્ર્વ પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળો પણ સતત બીજા વર્ષે બંધ રાખવામાં આવ્યો છે.