ઝુંપડપટ્ટીના બાળકોનાં ‘મસિહા’ ભદ્રાબેન દવે

છેલ્લા સાત વર્ષથી સંવેદના ગ્રુપના બેનર તળે સ્વખર્ચે જરૂરીયાતમંદ બાળકોને વિવિધ સહાય સાથે ભીક્ષુકો-દર્દીઓની સેવા કરે છે

ભદ્રાબેન દવે આ નામ જામનગરવાસીઓ માટે ખુબજ જાણીતું છે કારણ કે સપ્તાહમાં બે ત્રણ વાર ઝુપડપટ્ટીના બાળકોને વિવિધ રમતો રમાડીને જ્ઞાન સાથે ગમ્મત કરાવતા ભદ્રાબેન તેમને સ્લીપર, કેપ, ચશ્મા, નાસ્તો, આઈસ્ક્રીમ વિગેરે પણ આપીને આનંદોત્સવ કરાવે છે.છેલ્લા સાત વર્ષથી સંવેદના ગ્રુપના નેજા તળે પોતાના સ્વખર્ચે આ વિરલ સેવા કરતા હોવાથી તેને લોકો નલેડી રોબિન હુડથ કે બાળકોના મસિહા કહે છે.

કોરોનામાં ઈરવિન હોસ્પિટલમાં ખડેપગે સેવા કરનાર શહેરના પ્રથમ કોરોના વોરિયર બન્યા હતા. રસ્તે રઝળતા, ભીક્ષુકો, નિરાધારો, સ્ટ્રીટ ચિલ્ડ્રન વગેરેને નાસ્તો, દવા, કપડા, મેડિકલ ટ્રીટમેન્ટ જેવી વિવિધ સેવા કરે છે. જામનગર શહેરની લગભગ બધી જ ઝુપડપટ્ટીમાં દર વખતે અંદાજે 300થી વધુ બાળકોને લાભ અપાવે છે. કોરોના સમય દરમ્યાન એકલા રહેતા મહિલા, નિરાધારને રાશન કિટ વિતરણ પણ કરેલ હતુ, આજે પણ કોઈ એકલા હોય તેને તે મદદ ચાલુ જ રાખી છે.

ભદ્રાબેન દવેની સેવામાં તેના સેવાભાવી મિત્રશે શિતલ સાતા, ચેતના કનખરા, શોભના રાજસખા, અને સોનલ મહેશ્ર્વરી સહયોગ આપી રહ્યા છે. ઘણા ગરીબ તેજસ્વી બાળકોને પુસ્તકો અને શાળા ફિનો સહયોગ પણ આપે છે. મહિલા સશકિતકરણ માટેના વિવિધ સેમીનારોનું આયોજન કરી ને મહિલાઓને પગભર કરવાનું વિશિષ્ટ કાર્ય ભદ્રાબેન કરી રહ્યા છે. તેમના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ પ્રચલીત થયા છે.
અબતક સાથેની વાતચીતમાં ભદ્રાબેને જણાવેલ કે મને ઈશ્ર્વરે આપ્યું છે ને મારી પાસે સમય પણ છે તેનો સદઉપયોગ કરીને સેવા યજ્ઞ ચલાવું છું.

હું પોતે સ્વખર્ચે જ આ ચલાવું છું. વિવિધ સામાજીક સંસ્થામાં સક્રિય જોડાયેલ હોવાથી સેવા કરવાનો અનેરો આનંદ મળે છે. મને ઝુપડપટ્ટીના બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું બહું જ ગમે છે કારણે તે આવતીકાલના નાગરીક છે તે ભણીગણીને આગળ આવે તોજ દેશ સમૃધ્ધ થશે.