Abtak Media Google News

સતત બે દિવસ સચરાચર વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વિજળીના ડરામણા કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સચરાચર વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સિઝનનો 96.27 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે રાજ્યમાં 107.06 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 137.60 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.08 મીટર જ બાકી રહ્યો છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતો ભાદર, આજી અને ન્યારી-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી સુખદ સંભાવના વર્તાય રહી છે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ફરી મેઘ મહેર વરસી રહી છે. શનિવાર અને રવિવારે સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદ વરસવાના કારણે તમામ જળાશયોનો જળ વૈભવ વધ્યો છે. રૂલ લેવલ જાળવી રાખવા અનેક ડેમોના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામે છે. વિજળીના ડરામણા કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થાય છે અને જોતજોતામાં સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાય જાય છે. સૌરાષ્ટ્રમાં 96.27 ટકા વરસાદ વરસી ગયો છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમૂક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં રવિવારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સૌથી વધુ 88 મીમી વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત કચ્છના ભૂજમાં 73 મીમી, અમરેલીના બાબરામાં 68 મીમી, જેતપુરમાં 66 મીમી, ચોટીલામાં 63 મીમી, વીંછીયામાં 59 મીમી, હળવદમાં 58 મીમી, ચુડામાં 58 મીમી, નખત્રાણામાં 46 મીમી, કોટડાસાંગાણીમાં 46 મીમી, થાનમાં 45 મીમી, માળીયા મીંયાણામાં 40 મીમી, ઉમરાળામાં 36 મીમી, મુંદ્રામાં 32 મીમી, મોરબીમાં 32 મીમી, ટંકારા, વંથલીમાં 31 મીમી, વઢવાણમાં 30 મીમી, ગોંડલમાં 29 મીમી, રાજકોટમાં 24 મીમી, લોધિકામાં 22 મીમી, લખપતમાં 21 મીમી, વાંકાનેરમાં 21 મીમી, જામનગરમાં 20 મીમી, લાઠીમાં 20 મીમી, વડીયામાં 20 મીમી, ગીર ગઢડામાં 20મીમી વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે સાર્વત્રિક વરસાદથી જગતાતના હૈયા ફરી હરખાયા છે. આ વર્ષ માંગ્યા મેઘ વરસતા વરસ સોળ આનીથી પણ સવાયુ સાબિત થશે. આજે જૂનાગઢ, અમરેલી અને ગીર ગઢડામાં અતિભારે જ્યારે જામનગર, મોરબી, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘાવી માહોલ યથાવત રહેશે.

આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. અનેક ડેમ છલોછલ ભરાય ગયા છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 96.27 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 165.58 ટકા, ઉત્તર ગુજરાતમાં 114.29 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 87.90 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

  • ભાદર, આજી અને ન્યારી-1 છલોછલ: ગમે ત્યારે ઓવરફ્લો
  • સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં પાણીની માતબર આવક: એક વર્ષનું જળસુખ

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સચરાચર વરસાદના કારણે જળાશયોમાં જળવૈભવ સતત વધી રહ્યો છે. મોટાભાગના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવાના કારણે એક વર્ષ માટે પાણીનો પ્રશ્ર્ન હલ થઇ ગયો છે. માંગ્યા મેઘ વરસવાના કારણે જગતાત પણ રાજી-રાજી થઇ ગયો છે. ભાદર, આજી અને ન્યારી-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઇ જશે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ડેમમાં 0.46 ફૂટ, આજી-1 ડેમમાં 0.79 ફૂટ, આજી-3માં 0.95 ફૂટ, ગોંડલીમાં 0.33 ફૂટ, વાછપરીમાં 0.89 ફૂટ, ફાડદંગ બેટીમાં 0.82 ફૂટ, ખોડાપીપરમાં 0.23 ફૂટ, ઇશ્ર્વરિયામાં 1.15 ફૂટ, કર્ણકીમાં 1.31 ફૂટ, મચ્છુ-1માં 0.43 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.52 ફૂટ, ડેમી-1માં 0.59 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, બંગાવડીમાં 0.49 ફૂટ, બ્રાહ્મણીમાં 0.10 ફૂટ, સસોઇમાં 0.16 ફૂટ, ફૂલઝરમાં 0.36 ફૂટ, રંગમતીમાં 1.64 ફૂટ, ઉંડ-1માં 0.72 ફૂટ, કંકાવટીમાં 0.07 ફૂટ, રૂપાવટીમાં 0.82 ફૂટ, વર્તુ-2માં 0.66 ફૂટ, વેરાડી-2માં 0.49 ફૂટ, મીણસારમાં 0.33 ફૂટ, વઢવાણ ભોગાવોમાં 1.37 ફૂટ, ફલકુમાં 0.49 ફૂટ, સપૂરીમાં 3.28 ફૂટ, લીંબડી ભોગાવો-2માં 16 ફૂટ, ધારીમાં 6.89 ફૂટ, સોરઠીમાં 0.43 ફૂટ અને સાકરોલી ડેમમાં 0.20 ફૂટ પાણીની આવક થવા પામી છે.

  • વિજળી  છ વ્યક્તિઓની જિંદગી ભરખી ગઇ

છેલ્લા  ત્રણ દીવસમાં રાજ્યના ત્રણ જિલ્લામાં વીજળી પડવાથી છ લોકોના મોત થયા છે. દાહોદ, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ચાર વ્યક્તિના મોત થયા છે.  ટીટા મુનીયા ગરાડુ ગામમાં જ્યારે તે પ્રાણીઓ ચરાવી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું. તેની સાથે રહેલા બે પશુના પણ મૃત્યુ પામ્યા હતા.

ઝાલોદ તાલુકામાં શનિવારે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મૃતકો ચાણસર ગામના કમલેશ ભાભોર હતા.વિસાભાઈ રબારીપાવડી ગામમાં અનેસુમલી ગણવાકાલીગામ ઈનામી ગામમાંથી.નજીકમાં બે લોકોના મોત થયા હતાવઢવાણસુરેન્દ્રનગર શહેરમાં શનિવારે તે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે વીજળી પડી હતી. મૃતક પૈકી એકની ઓળખ થઈ હતી. મનજીબેન મોરી, વઢવાણ પોલીસે જણાવ્યું હતું કે, “અમને વધુ એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે.” શનિવારે સાંજે ધાની પટેલીયા નામની મહિલાનું મોત નિપજ્યું હતું.

  • નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં એક મીટર જ બાકી

નર્મદા ડેમની જળ સપાટી 135.75 મીટરે પહોંચી, નદી કાંઠાના 20 ગામોને એલર્ટ | Gujarat News In Gujarati

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 1.08 મીટર જ બાકી રહ્યો છે. ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ડેમમાં પાણીની માતબર આવક થવાના કારણે ડેમના દરવાજા છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ખૂલ્યા છે.

ડેમનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દરિયામાં વહિ જતા મહામૂલા પાણીને જે ડેમની સપાટી ચોમાસાની સિઝનમાં વધી નથી ત્યાં છોડવામાં આવી રહ્યું છે. વર્ષ-2014માં નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી મળ્યા બાદ ડેમ પર 17 મીટરના 30 દરવાજા મૂકવામાં આવ્યા હતા. જેના કારણે ડેમની ઉંચાઇ 121.92 મીટરથી વધી 138.68 મીટરે પહોંચી જવા પામી છે. હાલ ડેમની સપાટી 137.60 મીટરે પહોંચી જવા પામી છે. હવે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.08 મીટર જ બાકી છે. આગામી 17મી સપ્ટેમ્બર અર્થાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ પૂર્વ ડેમને છલકાવી દેવા દરવાજા બંધ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.