Abtak Media Google News

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને કુલ 3.94 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણીની વિપુલમાત્રાની આવક થતાં ભરૂચના ગોલ્ડનબ્રીજ ખાતે નદીનું જળસ્તર 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવી 23 ફૂટે પહોંચ્યું હતું. નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ હોઇ ભરૂચ, અંક્લેશ્વર તેમજ ઝઘડિયાના કાંઠા વિસ્તારના ગામોને વહિવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં છે.

નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ 6 વર્ષ બાદ આ વર્ષે નર્મદા નદી તેના રૌદ્રરૂપમાં જોવા મળી છે. તેમાંય ગત 9મી ઓગષ્ટથી ડેમના દરવાજા સતત ખોલવામાં આવી રહ્યાં હોઇ નર્મદા નદી સતત બે કાંઠે વહેતાં નર્મદાપ્રેમીઓ હરખાયાં છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે નર્મદા ડેમની સપાટી 133.88 મીટરે પહોંચી જતાં હાલમાં ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 3.94 લાખ ક્યૂસેક પાણી ઠલવાતાં ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી 23 ફૂટે પહોંચી ગઇ હતી. નદીનું જળસ્તર 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવી ગયાં બાદ હવે ભયજનક સપાટીથી 1 જ ફૂટ દુર હોઇ વહિવટી તંત્ર દ્વારા અંક્લેશ્વરના 13 ગામો સહિત ઝઘડિયાના 4 અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જોકે હાલમાં નદીની સપાટી 23 ફૂટ પર સ્થીર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.