ઇડરના હિંગળાજના 30 વર્ષિય કોમર્સ ગ્રેજ્યુએટ ભાવિકભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવ્યો 

મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી

ખેડૂત ખેતીને પોતાનો વ્યવસાય ગણી નોકરી જેટલો સમય અને આયોજન કરે તો તે ચોક્કસ આ ખેતીમાંથી સારામાં સારી આવક મેળવી શકે છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના હિંગળાજના 30 વર્ષિય કોમર્સ ગ્રેજ્યુએટ ભાવિકભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવ્યો. ખેતીને જો વ્યવસાય ગણવામાં આવે અને તેનુ સમયસર અને આયોજનબધ્ધ કામ કરો જેટલો સમય તમે નોકરીમાં ફાળવો તેટલો સમય આ ખેતીના કામમાં ફાળવો તો આ ખેતી સ્વતંત્રતાની સાથે તમને અનેક ગણુ વળતર આપે છે. આ ધરતી માતા કણને મણ કરવા આતુર બનશે.  આ વિચાર છે એક શિક્ષિત યુવાન ખેડૂત ભાવિકભાઇ પટેલના.

ભાવિકભાઇ જણાવે છે કે, અભ્યાસ પૂર્ણ થયા બાદ થોડો સમય નોકરી માટે વિચાર ચાલતા હતા ત્યારે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે આયોજીત તાલીમમાં  ભાગ લઈ આ ખેતી અંગે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. આ તાલીમ બાદ વિચારોમાં પરીવર્તન આવ્યું અને ખેતી અંગેનો અભિગમ બદલાયો,આપણા બાપદાદાઓનો પરંપરાગત વ્યવસાય ખેતી છે. વાણીયાનો દિકરો ધંધો કરે અને સફળ થાય તો પછી આપણે ખેડૂતના દિકરા આ ખેતીમાં કેમ સફળ નથી થતા? અને શરૂ થઈ આ પ્રાકૃતિક ખેતી.

રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઓછી થઇ અને ખર્ચ વધુ થાય છે અને ઉત્પાદન ઓછુ મળવા લાગ્યું તેમજ રાસાયણિક ખેતી આપણા સ્વાસ્થ માટે નુકશાનકારક છે. રાસાયણિક દવાઓ ખેતરમાં છાંટતા ખેડૂતને પોતાના જીવનુ જોખમ પણ રહે છે. આ ખેતીમાં 50% ખર્ચ થાય છે એટલે કે 1 લાખ રૂ. હું કમાઉ તો તેમાં 50 હજારતો ખર્ચમાં જતા રહે. આ ખેતીથી પહેલાં કપાસ, ઘઉં, જીરૂ વગેરે જેવા પાકો લીધા હતા.

વધુમાં ભાવિકભાઇ જણાવે છે કે,મારું ફાર્મ ઈડર – હિંમતનગર હાઈવે પર હોવાથી ત્યાં આજુબાજુનાં તેમજ બીજા જીલ્લાનાં ખેડુત ભાઈઓને આત્મા યોજના થકી ફાર્મની મુલાકાત તેમજ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપવામાં આવે છે. મારા ઘરે ત્રણ દેશી ગાય છે. દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરું છું.

ભાવિકભાઇ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત તેમની 4.5 એકર જમીન છે જેમાં તેઓ તુવેર, મિક્ષ પાક :- મકાઈ, બીજા પાક:- ઘઉં, મગ, મગફળી, અડદ, શાકભાજી, તળબુચ જેવા પાકો લે છે.  કેમિકલનાં ઉપયોગથી ખેતી કરતા આવક:- 2,50,000/-, ખર્ચ:- 80,000/-, નફો:- 1,70,000/- થાય જ્યારે પ્રાકૃતિક ખેતીથી આવક: 3,00,000/-, ખર્ચ:- 60,000/-, નફો:- 2,40,000/- થાય છે.

ભાવિકભાઇ પોતાનો પ્રાકૃતિક ખેતીનો અનુભવ જણાવતા કહે છે કે જો ખેડૂત ખેતીને પોતાનો વ્યવસાય ગણી સમય આપે અને આયોજન કરે તો આ ખેતી ખુબ જ નફાકારક છે.આ સાથે પાણીની બચત પણ ખુબ જ જરૂરી છે. આ માટે મારી ટોટલ જમીનમાં હું ડ્રીપ દ્રારા જ ખેતી કરૂ છું. રસાયણીક ખેતી થકી હવે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઇ છે જમીન બીનઉપજાઉ બની છે. આ તમામ સમસ્યાઓનુ કોઇ હલ છે તો આ પ્રાકૃતિક ખેતી જ છે.