શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકો શિવમય

સોમનાથ  મંદિર વહેલી સવારે  ચાર વાગ્યે  ખુલ્લુ: મહાદેવને બોરસલીના પુષ્પનો શણગાર: સૌરાષ્ટ્રમાં ગામે ગામે ભકતો દ્વારા  ભોળીયાનાથને  રીઝવવા આરાધના

દેવાધિદેવ મહાદેવને  અતિપ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે ભાવિકો  શિવમય થઈ ગયા છે.  પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મંદિરે આજે  વહેલી સવારે   4 વાગ્યે ખૂલ્લી ગયું છે. અને સતત 18 કલાક સુધી મંદિર ખુલ્લુ રહેશે. મહાદેવને  બોરસલીના પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. ભોળીયાનાથને રિઝવવા માટે શિવભકતો દ્વારા  ભકિતભાવ  સાથે આરાધના  કરવામાં આવી હતી. જીવ શિવભકિતમાં  લીન બની ગયો છે.

વર્ષનાં 12 મહિનામાં શ્રાવણ માસનું   સવિશેષ મહત્વ  રહ્યું છે. શુક્રવારથી  શ્રાવણ માસનો આરંભ થઈ ચૂકયો છે. આજે શ્રાવણ માસનો પ્રથમ   સોમવાર છે.ભગવાન શિવને સોમવાર અતિપ્રિય છે. ભાવિકો દ્વારા આજે ભારે ભકિતભાવ સાથે શિવની આરાધના કરવામાં આવીહતી. સોમનાથ મંદિર,દ્વારકાના નાગેશ્ર્વર મહાદેવ, જસદણ નજીક ઘેલા સોમનાથ મહાદેવ, જૂનાગઢમા ભૂતનાથ મહાદેવ,ભાવનગરમાં પ્રગટેશ્ર્વર મહાદેવ  અને કોટાકાશી જામનગરમાં સવારથી શિવાલયોમાં શિવભકતો ઉમટી પડયા હતા.

આજે ભાવિકો ઉપવાસ-એકટાણા સાથે મહાદેવની આરાધના કરી હતી. ઠેર ઠેર શિવાલયોમાં વિવિધ  શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. અમૂક સ્થળોએ  બરફના શિવલીંગનું પણ નિર્માણ કરાયું હતુ. પ્રથમ  જયોતિર્લીંગ એવા  સોમનાથ મહાદેવને શ્રાવણમાસમા રોજ વિવિધ  પ્રકારનાં  શ્રૃંગાર કરવામાં આવે છે. અને બોરસલી પુષ્પનો  શ્રૃંગાર કરાયો હતો.

 

શ્રાવણમાસમાં 11 દિવસ સુધી સોમનાથ મંદિર સળંગ 18 કલાક ખુલ્લુ   રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 4 કલાકે મંદિરના કપાટ શિવભકતો માટે ખોલી દેવાયા હતા. રાત્રીનાં 10 વાગ્યા સુધી સળંગ મંદિર ખુલ્લું રહેશે.  શ્રાવણ માસમાં ચાર સોમવાર દરમિયાન સૌરાષ્ટ્રના  ગામે ગામ શિવાલયો ખાતે વિવિધ  ધાર્મિક  આયોજન કરવામાં આવ્યું છે.