Abtak Media Google News

અબતક, રાજકોટ

આજે 15મી નવેમ્બર બાળકેળવણીના ભિષ્મપિતામહ સમા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને રાજ્ય સરકારે ’બાલવાર્તા દિન’ તરીકે ઉજવવાની વિધિવત જાહેરાત કરી. પ્રસિદ્ધ હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવેના સૂચનને માન્ય રાખી શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણીએ આજે ભાવનગર ખાતે બાલવાર્તા દિનની ઉજવણી કરી તથા સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં ’બાલવાર્તા મહોત્સવ’ની ઉજવણીની પણ જાહેરાત કરી. આ તબક્કે સાંઈરામ દવેએ ગિજુભાઈની પ્રસિદ્ધ બાલવાર્તાનું રસપાન કરાવ્યું તેમજ તેમના જીવન અને કવનને લોકશૈલીમાં રસપ્રદ રીતે વર્ણવ્યું હતુ. તદુપરાંત શિક્ષણમંત્રીએ ગિજુભાઈના નિવાસ્થાનને ’સ્મારક’ બનાવવાની પણ જાહેરાત કરી હતી.

વ્યવસાયથી વકીલ અને હૃદયથી શિક્ષક એવા ગિજુભાઈ બધેકા (મૂળ નામ ગિરીજાશંકર) એ 15 નવેમ્બર 1885માં અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે જન્મ્યા હતા.

વકીલાત છોડી તેમણે ભાવનગર ખાતે એક ટેકરી પર નાના ભૂલકાઓ માટે બાલવાર્તા બાળગીતો દ્વારા બાલશિક્ષણની પરંપરા વર્ષો પહેલાં શરૂ કરી હતી.

આનંદી કાગડો, ચતુર શિયાળ, ટશુકભાઈ જેવી બાળવાર્તાઓ સદીઓ પછી પણ લોકહૃદયમાં ચિરંજીવ છે જેના રચયિતા ગિજુભાઈ હતા.બાળવાર્તાઓ થકી બાળકોમાં પ્રેમ આરોપણ કરવાનું એક જનેતાનું કાર્ય ગિજુભાઈએ સુપેરે કર્યું જેથી સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત તેમને મૂછાળી માના ઉપનામથી ઓળખે છે.

તેમણે પોતાના શિક્ષણના સ્વપ્રયોગોની શૈક્ષણિક આત્મકથાનું પુસ્તક દિવાસ્વપ્ન લખ્યું હતું. જે આજે ભારતની 14 ભાષામાં અનુવાદ થવા પામ્યું છે. દિવાસ્વપ્ન પુસ્તક આજે પણ કેળવણીકારો માટે દીવાદાંડી સમાન છે.

આજથી સો વરસ પહેલા તેમણે ભાવનગરમાં બાલ દેવો ભવ: સૂત્ર આપ્યું અને બાળ અધિકારની હિમાયત કરેલી.ગિજુભાઈની બાળવાર્તાઓ (ભાગ-1 થી 5) આજે પણ બાળશિક્ષણના સંદર્ભે એટલી જ પ્રસ્તુત અને સફળ છે.

અત્રે નોંધનીય છે કે આશરે સો વર્ષ પહેલા  દક્ષિણામૂર્તિની ટેકરી ઉપર ગિજુભાઈએ બાલવાર્તા અને બાલગીતોના કરેલા પ્રયોગોની  રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં પણ નોંધ લેવામાં આવી છે. સવારે 7:30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ડો. નલિન પંડિત, અરૂણ દવે, ટી. એસ. જોશી તથા સાંઈરામ દવે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. ધિરેન્દ્ર મુની, ડો. તેજસ દોશીએ તથા સમગ્ર દક્ષિણામૂર્તિ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.