Abtak Media Google News

ફન કલબના મેમ્બર બનાવી રૂા.૬૫ લાખનું વળતર અને હાર્લી ડેવિડસન બાઈક આપવાનું કહી ‘ઠગ’ ગેંગે કરી છેતરપિંડી

કચ્છમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા અનેકવાર ઉજાગર થઈ ચુકયા છે  મુળ આદિપુરના અને હાલમાં માધાપરમાં રહેતા યુવાનને બોડી મસાજ અને સ્પા સેન્ટરોમાં રૂપિયા કમાવવાની લાલચ રૂા. ૪૩.૩૧ લાખમાં પડી છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગત રાત્રીના આ અંગે ગુનો દાખલ થયો હતો. જે અંગે મળતી માહિતી મુજબ સપ્ટેમ્બ ર૦૧૯થી અત્યાર સુધી આ ઠગાઈ આચરવામાં આવી હતી. જ્યુબીલી ગ્રાઉન્ડ એચએફસી બેંકની બાજુમાં અક્ષયરાજ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસમાં આ બનાવ બનવા પામ્યો હતો. ભુજ તાલુકાના માધાપર જૂનાવાસ ગામે આઈયાનગરમાં રહેતા જીતેન્દ્રકુમાર જયંતીલાલ સોરઠીયાએ આ અંગે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે. તેઓ મુળ આદિપુરના કેસરનગરના રહેવાસી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ૧૮ જેટલા મોબાઈલ ધારકો અને બેંક ખાતા નંબર અને ઈમેઈલ આઈડીના ધારક મળી કુલ્લ ર૦ શખ્સોને તહોમતદાર તરીકે દર્શાવાયા છે.

આરોપીઓે કે જે મોબાઈલ નંબરના ધારકો છે તેઓએ ફરિયાદીના મોબાઈલમાં બોડી મસાજ અને સ્પાની ઓફર વાળો મેસેજ મોકલાવી લોભામણી જાહેરાત આપી હતી, જેથી ફરિયાદી જીતેન્દ્રભાઈએ મેસેજમાં જણાવેલ નંબર પર સંપર્ક કરતા તેઓને ફન કલબ નામની કંપની વિશે માહિતી અપાઈ હતી અને જો ફરિયાદી કલબમાં જોડાય અને મહિલા મેમ્બરો સાથે મિટીંગ કરાવશે અને જો ફરિયાદી તેઓને શારીરિક રીતે ખુશ કરશે તો ફરિયાદીને સારૂં વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી.

ફરિયાદીનું મહિલા મેમ્બરો સાથે સંપર્ક પણ કરાવાયો હતો અને કલબમાં રજીસ્ટ્રેશન તથા અલગ અલગ બહાના હેઠળ બેંક ખાતા મારફતે અને આંગડીયા વડે ૪૩,૩૧,૧૬૦/- રૂપિયા મેળવી લેવાયા હતા. આ પેટે ફરિયાદીને વળતર સ્વરૂપે ૬પ લાખ તથા હાર્લી ડેવિડસન બાઈક આપવાની લાલચ પણ અપાઈ હતી. વધુ રૂપિયા અને બાઈક મેળવવાની લાલચે જીતેન્દ્રભાઈએ કલબમાં ૪૩.૩૧ લાખ ભર્યા પરંતુ વળતર પણ ન મળ્યું અને રૂપિયા પણ પરત ન મળતા ઠગાઈ થયાનું ધ્યાને આવતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોતળે ભુજ એ ડિવિઝનના ફરિયાદ દાખલ કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.