Abtak Media Google News

પોસ્ટ માસ્તર જનરલની મુલાકાતથી ચકચારી કૌભાંડ ફરી ચગ્યું!!

પોસ્ટ ઓફિસના એજન્ટ અને પોસ્ટ માસ્તરની સંડોવણી: રિકવરી માટે કવાયત હાથ ધરાઈ હોવાની તંત્રની હૈયાધારણા

રાજ્યભરમાં ચકચારી બનેલા ભુજ રાવલવાડી પોસ્ટ ઓફિસના કરોડોના કૌભાંડ મામલે સ્થાનિક તંત્ર શરૂઆતથી જ મૌન સેવી રહ્યું હતું. કૌભાંડીના નામ ઠામ સહિતની વિગતોથી સમગ્ર જિલ્લો વાકેફ છે, પરંતુ પોસ્ટ તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર જ ન હતું. જો કે ભુજની મુલાકાતે આવેલા પોસ્ટ માસ્તર જનરલે ૮ કરોડના કૌભાંડની વાત સ્વીકારી સમગ્ર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવાશે તેવું જણાવ્યું હતું. એટલે હવે ફરી આ પ્રકરણ ચગ્યું છે.

ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસના મહિલા એજન્ટ અને તેના માસ્ટર માઈન્ડ પતિએ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. ચકચારી કૌભાંડની કચ્છની સાથે સમગ્ર રાજ્યમાં એકાદ માસથી ચર્ચા ચાલી રહી છે. જો કે સ્થાનિક પોસ્ટ વિભાગ તેમજ તેના જવાબદાર અધિકારીઓ પ્રતિભાવ આપવાનું સતત ટાળતા જ આવ્યા છે. ત્યારે ભુજ આવેલા પીએમજીએ કૌભાંડનો સ્વીકાર કરી વિસ્તાર પૂર્વક વિગતો આપી હતી.

સૌરાષ્ટ્ર – કચ્છ રીજીયનના પીએમજી રાકેશકુમારે જણાવ્યું હતું કે, લાંબા સમયથી કૌભાંડ ચાલી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં રાવલવાડી પોસ્ટ ઓફિસના એજન્ટ અને પોસ્ટ માસ્તરની સંડોવણી ખુલી છે. અત્યાર સુધીની તપાસમાં ૮ કરોડ આસપાસનું કૌભાંડ જણાયું છે. જેમ – જેમ તપાસ આગળ વધશે તેમ – તેમ કૌભાંડનો આંક વધવાની પણ શકયતા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં તેમણ કહ્યું હતુ કે, સ્થાનિક પોસ્ટ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. જયાં પણ અમારા માર્ગદર્શન- મદદની જરૂર પડશે ત્યાં મદદ કરવામાં આવશે. કૌભાંડ ખુબ જ મોટૂં હોવાથી રૂપિયાની રીકવરી કરવાની અમારી પ્રાથમીકતા હશે તેવું તેમણે જણાવ્યુ હતુ. અંતમાં ઉમેર્યું હતું કે, આ અઠવાડિયામાં એફઆઈઆર નોંધાવવામાં આવશે તેમજ સીબીઆઈ પાસેથી કૌભાંડની તપાસ કરાવવામાં આવશે.

રાકેશકુમારે જણાવ્યુ હતુ કે એકલા એજન્ટના હાથે આ થાય તે શક્ય નથી તેથી અંદરના કોઇ કર્મચારીની સંડોવણી સંભવ છે. પરંતુ તપાસની હિતમાં કઇ રીતે કૌભાંડ આચરાયુ તે કહેવુ હિતાવહ નથી પોલિસ ફરીયાદ એક સપ્તાહની અંદર થાય તેવા પ્રયાસો છે. અને જે માટે પુરતા પુરાવા એકત્ર થઇ રહ્યા છે. પરંતુ પોસ્ટ વિભાગ ઇચ્છે છે કે જે રીતે સીસ્ટમનો દુરઉપયોગ થયો છે. તે ગંભીર બાબત છે. અને તેથી ઈઇઈં તપાસ થાય તે માટે તેઓએ ભલામણ કરી છે. અને તેથીજ પોલિસ ફરીયાદમાં વિલંબ પર કરાઇ રહ્યો છે. ટુંક સમયમાં સંપુર્ણ વિગતો સામે આવશે અને જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે પરંતુ પ્રથમ પ્રયાસ પોસ્ટ વિભાગનો નાણા પરત મેળવવાનો છે જે માટે કાર્યવાહી ચાલુ છે.

કચ્છની પોસ્ટ ઓફીસમાં અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય ગેરરીતીમાં પ્રાથમીક તપાસ પછી ૮ કરોડની રકમનો આંક સામે આવ્યો છે. પરંતુ કદાચ તેનાથી વધુના કૌભાંડની શક્યતા નકારી ન શકાય જો કે પાછાલા દિવસોમા ચર્ચા પછી પોસ્ટ વિભાગના અધિકારીએ સીબીઆઇ તપાસ માટે કરેલી ભલામણ ધણુ બધુ કહી જાય છે. જો કે મહિલા એજન્ટ, કર્મચારી સાથે પડદા પાછળના અન્ય ભેજાબાજની સંડોવણી પણ નક્કારી ન શકાય તેવામાં પોસ્ટ માસ્ટર જનરલના નિવેદન પછી હવે ટુંક સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.

એજન્ટ અને પોસ્ટ માસ્તરની મીલીભગતથી લાંબ સમયથી આ ગેરરીતિ આચરવામાં આવતી હતી એમ કચ્છ-રાજકોટ રિજિયનના પીએમજીએ જણાવ્યું હતું, જો કે, જો આ કૌભાંડ લાંબા સમયથી ચાલતો હતો, તો જે-તે વખતે શું કામ કોઇ કાર્યવાહી ન કરાઇ તે એક પ્રશ્ન છે. છેલ્લા લાંબા સમયથી ચાલતી ગેરરીતિ મુદ્દે અત્યાર સુધી ટપાલવિભાગ દ્વારા ઢાંક પીછોડો જ કરવામાં આવ્યો છે જો કે, મંગળવારે આવેલા પીએમજીએ કહ્યું હતું કે, રકમનો આંક મોટો હોઇ પ્રારંભિક તબક્કે રિકવરીને જ અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીની તપાસમાં શું બહાર આવ્યું?: પીએમજીનું મૌન

પી.એમ.જી.એ કહ્યું હતું કે, સ્થાનિક ટપાલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે તો રિજિયન કક્ષાએથી અધિકારીઓ આવશે. જો કે, આ કૌભાંડ માધ્યમોમાં ચમક્યાને અંદાજે ૧૫થી વધુ દિવસ થઇ ગયા છે તેમ છતાં અત્યાર સુધી તપાસમાં શું બહાર આવ્યું તે અંગે તેમણે મૌન સેવી લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.