મંત્રી મંડળ રચવાનો હવાલો ભુપેન્દ્ર યાદવને સોંપાયો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલુ રાખ્યા બાદ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવને હવાલો સોંપી દિલ્હી રવાના

ગુજરાતમાં અણધાર્યા નેતૃત્વ પરિવર્તનના આંચકામાંથી હજુ રાજ્યની જનતા પુરી રીતે બહાર આવી શકી નથી. ભુપેન્દ્ર પટેલે ગઈકાલે બપોરે રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ ર્ક્યા હતા. દરમિયાન હજુ સુધી મંત્રી મંડળની રચના કરવામાં આવી નથી. નવા મંત્રી મંડળમાં ક્યાં ધારાસભ્યનો સમાવેશ કરવો તેને લઈ ગઈકાલે મોડીરાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે મોડી રાત્રે મંત્રી મંડળ રચવાનો સંપૂર્ણ હવાલો ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રસિંહ યાદવને સોંપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. 2 થી 3 દિવસમાં નવા મંત્રી મંડળની રચના કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલની વરણી કરાયા બાદ તેઓએ ગઈકાલે બપારે રાજભવન ખાતે રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ ર્ક્યા હતા. જો કે મંત્રી મંડળના સભ્યો હજુ સુધી નક્કી કરવામાં આવ્યા ન હોવાના કારણે મંત્રી મંડળની રચના કરી શકાય નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગઈકાલે શપથવિધિમાં ભાગ લેવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા. નવા મંત્રી મંડળમાં ક્યાં નેતાનો સમાવેશ કરવો તેના માટે મોડી રાત સુધી મનોમંથન ચાલ્યું હતું. નામો નક્કી ન થવાના કારણે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતમાં નવા મંત્રી મંડળની રચનાનો સંપૂર્ણ હવાલો ગુજરાતના રાષ્ટ્રીય પ્રભારી અને કેન્દ્ર સરકારના મંત્રી ભુપેન્દ્ર યાદવના શીરે છોડી દઈ દિલ્હીની વાટ પકડી લીધી હતી.

રૂપાણી સરકારમાં મંત્રી રહેલા કૌશિકભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્ર્વરભાઈ પરમાર, કુંવરજીભાઈ બાવળીયા, પરસોતમ સોલંકી, બચુભાઈ ખાવડ, વાસણભાઈ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરીબેન દવે અને યોગેશ પટેલ સહિતના મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જ્યારે જયેશ રાદડીયા, સૌરભ પટેલ સહિતનાઓને ફરી તક મળી શકે છે.

નવા મંત્રી મંડળમાં ડો.નિમાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, હર્ષ સંઘવી, પંકજ દેસાઈ, આત્મારામ પરમાર, પિયુષ દેસાઈ, કેતન પરમાર, મનિષા વકીલ સહિતનાને તક મળી શકે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. મંત્રી મંડળની રચના વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જ્ઞાતિ અને જાતિના સમીકરણોના સોગઠા ગોઠવી કરવામાં આવશે. આગામી 2 થી 3 દિવસમાં મંત્રી મંડળના સભ્યો નક્કી કરી દેવામાં આવશે. સંભવત: શુક્રવારે પટેલ સરકારના મંત્રી મંડળના સભ્યો શપથ ગ્રહણ કરે તેવી સંભાવના જણાય રહી છે.