Abtak Media Google News

રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮ હેઠળ ૧ લિ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિને લોકભાગીદારીથી તળાવોને ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો. વધુને વધુ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય તેવા શુભાશયથી રાજય સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન હેઠળ રાંદરડા, આજીનદી શુદ્ધિકરણ તેમજ રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી એરિયામાં રેસકોર્ષ-૨ને લાગુ તળાવ(અટલ સરોવર)ને ઊંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ. આજ તા.૧૯/૦૫/૨૦૧૮ના રોજ જળસંચય અભિયાન હેઠળ રેસકોર્ષ-૨ લાગુ તળાવને ઊંડું ઉતારવાની ચાલી રહેલ કામગીરીની રાજયના કેબિનેટ મંત્રી અને રાજકોટ શહેરના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરેલ હતી.

આ અવસરે મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, દંડક રાજુભાઈ અઘેરા, ડે.કમિશનર જાડેજા, સિ.કે.નંદાણી, સિટી એન્જીનીયર ચિરાગ પંડ્યા, આસી.કમિશનર હર્ષદ પટેલ, ડે.એન્જીનીયર હારુન દોઢિયા, શ્રીવાસ્તવ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, રઘુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૦૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવભાઈ દવે, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૦૧ના પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, વોર્ડ નં.૦૨ના રાજેન્દ્રસિંહ ગોહિલ, શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ડવ, તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો, સબંધક અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે, વરસાદએ ઈશ્વરની પ્રસાદી છે. આ પ્રસાદીને વધુ ને વધુ સાચવી શકાય તે ઘણું જરૂરી છે. વરસાદ તળાવમાં જીલીએ છીએ પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ઘણું વરસાદી પાણી દરિયામાં જતું રહે છે. વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે માટે રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જનભાગીદારીથી જળસંચય યોજનાની કામગીરીનો પ્રારંભ કરેલ છે. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે.

પરંતુ જન ભાગીદારીથી અભિયાન શરૂ કરવાથી કામગીરીને વેગ મળે. આ કામગીરીથી કપરી પરિસ્થિતિમાં આ જળસંગ્રહ ખુબજ ઉપયોગી થશે. અંતમાં માન.મંત્રીશ્રીએ ચાલી રહેલ કામગીરી અંગે મેયર સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ તથા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ. આ પૂર્ણ કાર્યમાં હજુ વધુને વધુ સામાજીક, સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાય તેવી અપીલ કરેલ હતી.

આ તળાવનું ક્ષેત્રફળ ૧,૬૩,૧૭૨ ચો.મિ. છે જેની મહત્તમ ઊંડાઈ ૬ મિ. જેવી તેમજ સરેરાશ ઊંડાઈ ૩.૦૦ થી ૩.૫૦ મિ. જેટલી છે. આ તળાવને ૨.૦૦ થી ૨.૫૦ મિ. જેટલું ઊંડું ઉતારી જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે. અંદાજે ૩,૪૨,૬૬૨ ઘન મીટર જેટલી માટી, પથ્થરો દુર કરી અંદાજે ૨૯૦ મિલિયન લીટર પાણીનો વધારાનો જથ્થો સંગ્રહ કરી શકશે. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાની સાથે સાથે રાજકોટ શહેરની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. આ કામગીરીને ઝડપી બનાવવા બ્લાસ્ટીંગની કામગીરી પણ એજન્સીને સોંપવામાં આવશે. તા.૦૧/૦૫/૨૦૧૮ થી ૧૭/૦૫/૨૦૧૮ સુધી કરેલ કામગીરીમાં દરરોજ સરેરાશ ૪૨ જે.સિ.બી., ૨ હિટાચી, ૭૬ ટ્રેક્ટર, ૧૫ ડમ્પર વિગેરે મશીનરી દ્વારા કામ કરવામાં આવી રહયું છે. આજ દિવસ સુધીમાં આ તળાવમાં ૧,૧૦,૫૪૩ ઘન મીટર એટલે કે ૪૪.૨૨ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે.

આ તળાવની આજુબાજુ બીજા તબક્કામાં બ્યુટીફીકેશન કરવામાં આવશે. ભવિષ્યમાં શહેરના નગરજનોને સુંદર હરવા ફરવાનું નજરાણું માળે તે માટે તળાવની મધ્યમાં બર્ડ આઈલેન્ડ તથા ફાઉન્ટેન બનાવવામાં આવશે. તળાવની ફરતે જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, સ્કલ્પચરની થીમ, મલ્ટી લેવલ પાર્કિંગ, ફૂડ કોર્ટ, એક્ઝીબીશન ગેલેરી, એમ્ફી થીએટર, ઘનિષ્ઠ વૃક્ષારોપણ વિગેરે કામગીરી કરવાનું આયોજન છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.