બિડેને રોષ ઠાલવ્યો: ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહ્યું… આથી “હલકો” રાષ્ટ્રપતિ નથી જોયો

નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ જો બિડનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર નહીં રહે

પાંચ મણની કાયામાં આંગળીના ટેરવા જેવડી નાકની જ કિંમત હોય છે… અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આ વખતે આરંભથી જ વિવાદોના વમણ નહીં પરંતુ આંધી જેવી પરિસ્થિતિ સર્જી દેનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંતે શીકસ્ત સ્વીકારવા મજબૂર બનવું પડ્યું છે. ટ્રમ્પ કાર્ડ અને વ્હાઈટ હાઉસ પર બળજબરીથી કબજો કરવાના ટ્રમ્પ સમર્થકોના ઉધામાઓથી અમેરિકાનું લોકતંત્ર કલંકીત થઈ ચૂક્યું છે. વાર્યા ન ફરે પણ હાર્યા ફરે…ની જેમ ટ્રમ્પે અંતે હાર સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. શુક્રવારે ટ્રમ્પે સ્વૈચ્છીક રીતે જાહેરાત કરી દીધી હતી કે, તેઓ ૨૦ જાન્યુઆરીએ યોજાનારા ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ભાગ નહીં લે. બિડને ટ્રમ્પનું એલાન સ્વીકારીને જણાવ્યું હતું કે, ટ્રમ્પનો આ નિર્ણય ખરેખર સાણો ગણાશે.

જોય બિડને જણાવ્યું હતું કે, તેમણે મને સંદેશો આપ્યો હતો કે તે ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાના નથી. તે સારી વાત છે કે તે આ કાર્યક્રમમાં મોઢુ ન બતાવે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના ઈતિહાસમાં આવો ‘હલકો’ રાષ્ટ્રપતિ કોઈએ નથી જોયો. આગામી સપ્તાહે સમર્થકોને કેપિટલ હાઉસમાં આક્રમણ માટે ઉશ્કેરવા બદલ ટ્રમ્પ પર મહાભિયોગ થવાની સંભાવના પ્રબળ બની છે. બિડને જણાવ્યું હતું કે, આ માણસે તેમની દુષ્ટતા અંગેના મારા તમામ વિચારોની હદ વટાવી છે અને ઈતિહાસમાં આવો ‘હલકો’ રાષ્ટ્રપતિ મારા જીવનમાં નથી જોયો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં માઈક પેન્સનું સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પે શુક્રવારે વહેલી સવારે ટ્વીટ કર્યું હતું કે, તે ઉદ્ઘાટન સમારોહમાં ભાગ નહીં લઉં. હું ૨૦મી જાન્યુઆરી યોજાનારા આ કાર્યક્રમમાં હાજર નહીં રહું, અમેરિકામાં પવન બદલાઈ ગયો હોય તેમ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદની ગરીમાને ઝાખપ લગાવી હોય તેવી પરિસ્થિતિમાં વિદાય થવાની ફરજ પડી છે. દુનિયામાં કહેવત છે કે, અતિને ગતિ નથી… તે કહેવત ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં અક્ષરસ: સત્ય પુરવાર થઈ છે.