મોરબી માટે બજેટમાં મોટી જાહેરાત, આટલી જગ્યાએ બનશે ફોર લેન રોડ

નોન પ્લાન રસ્તાઓના બાંધકામ તથા સુધારણા માટે રૂ.936 કરોડ, જિલ્લા માર્ગોને પહોળા કરવા માટે રૂ.ર44 કરોડ અને રાજય ધોરી માર્ગોની 70 કી.મી. લંબાઇને ફોરલેન કરવા રૂ. 309 કરોડ ફાળવાયા

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.11,185 કરોડની જોગવાઈ

અમદાવાદ-મહેસાણા ફોરલેનને રૂ.100 કરોડના ખર્ચે સીકસ લેન કરાશે

સાત વર્ષે કે તેથી વધુ સમયથી રીકાર્પેટ ન થયા હોય તેવા 16,857 કી.મી. લંબાઇના રસ્તાઓના રીસરફેસીંગ કામ રૂ. 4506 કરોડના ખર્ચે હાથ ધરાશે

રાજય સરકારે વર્ષ 2021-22 નાં બજેટમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 11,185 કરોડની જોગવાઇ કરી છે. જેમાં મુખ્યમંત્રી સડક યોજના માટે રૂ. 2011 કરોડની જોગવાઇ કરી છે. નોન પ્લાન રસ્તાઓના બાંધકામ તથા સુધારણા માટે રૂ. 3,936, જિલ્લા  માર્ગોને પહોળા કરવા રૂ. 244 કરોડ, રાજય ધોરી માર્ગોની 70 કી.મી. લંબાઇને ફોરલેન કરવા રૂ. 309 કરોડ અને અમદાવાદ-મહેસાણા ફોરલેનને સીકસલેન બનાવવા રૂ. 100 કરોડ  ફાળવવામાં આવ્યા છે.

નાણામંત્રી નીતીન પટેલે જણાવ્યું કે રાજયમાં એક લાખ ચોવીસ હજાર કિલોમીટર પ્લાન અને નોનપ્લાન રસ્તાઓનું સુઆયોજીત નેટવર્ક વિસ્તરેલ છે. રાજયમાં ખેડૂતો માટે ઉપયોગી બધા જ માર્કેટ યાર્ડ પાકા રસ્તાઓથી જોડાઇ ગયેલ છે. જેના કારણે ગામેથી નીકળેલા ખેડુતો તેમનું કૃષિ ઉત્પાદન સરળતાથી અને ઝડપથી માર્કેટ યાર્ડમાં પહોચાડી શકે છે. તેવી જ રીતે રાજયના મોટાભાગના ઔઘોગિક વિસ્તરોને પણ વિશાળ રસ્તાઓના નેટવર્કથી આવરી લેવામાં આવેલ છે. ગામથી તાલુકા મથક અને તાલુકા મથકોથી બધા જ જિલ્લા મથકો સુધી રસ્તાઓનું નેટવર્ક ગુંથાયેલું છે. રાજયના તમામ મહત્વના યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો વગેરે સ્થાનો સુધી પણ પાકા ડામરના રસ્તાઓનું સિંગલ લેનથી માંડી ફોરલેન સુધીનું નેટવર્ક પૂર્ણ થયેલ છે. જયાં મોટા પ્રમાણમાં ટ્રાફીક છે ત્યાં નદી ઉપરના પુલો અને રેલવે ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ માળખાકીય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અનેક આયોજનો હાથ ધરેલ છે.

સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકારપેટ ન થયા હોય તેવા 4949 કામોના 16,857 કિલોમીટર લંબાઇના રસ્તાઓના રીસરફેસીંગ માટેના કામો રૂ. 4506 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષમાં ર9 રેલવે ઓવર બ્રીજ રૂ. 873 કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે. ડી.એફ.સી.સી. રૂટ સહીત રેલવે ક્રોસિંગ ઉપર 75 ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ છે. રૂ. 3400 કરોડના ખચેૃ નવા 68 રેલવે ઓવરબ્રીજ મંજુર કરવામાં આવેલ છે. અમદાવાદ- બગોદરા – રાજકોટના ર01 કિલોમીટર રસ્તાને રૂ. 2893 કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું રૂ. 2620 કરોડના ખર્ચે છ માર્ગીયકરણનું કામ પ્રગતિ હેઠળ છે. સરખેજથી અમદાવાદ શહેરમા પસાર થતો ગાંધીનગરથી ચિલોડા સુધીના એસ.જી. હાઇવેને રૂ. 867 કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવાનું કામ ભારત સરકારના સહયોગથી પ્રગતિ હેઠળ છે. આ રોડ પૈકીના અમદાવાદ શહેરમાં ખૂબ જ ભારે ટ્રાફીક ધરાવતા સિંધુભવન જંકશાન અને સરખેજ – સાણંદ રસ્તા ઉપરના ઓવરબ્રીજનું તથા ગાંધીનગરના પ્રવેશ દ્વાર ઉવારસદ ફલાય ઓવરનું લોકાર્પણ પણ કરી દેવામાં આવેલ છે. મહાનગરો, બંદરો, ઔઘોગિક પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 762 કિ.મી. ના 4ર રસ્તાઓના અનુભાગોને ફોરલેન બનાવવાની કામગીરી રૂ. 2466 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. 116 રસ્તાના અનુભાગોની 1951 કિ.મી. લંબાઇને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની કામગીરી રૂ. 2331 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. વિશ્ર્વ બેન્ક સહાયિક યોજના અંતર્ગત રાજય ધોરી માર્ગોને પહોળા, મજબુત તથા નવીનીકરણની કામગીરી રૂ. 1935 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી  ગ્રામ સડક યોજનાના ત્રીજા તબકકાની કામગીરી પણ શરુ થનાર છે. જેમાં રાજયના 3015 કી.મી.ના ગ્રામ્ય માર્ગોને સાડાપાંચ મીટર સુધી પહોળા કરવા રૂ. 1749 કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન છે. અમદાવાદ-મુંબઇ બૂલેટ  ટ્રેનની કામગીરી પ્રગતિમાં છે. હાઇસ્પીડ કોરીડોરના આ પ્રોજેકટ માટે રાજય સરકારના શેરફાળા પેટે રૂ. 1500 કરોડની જોગવાઇ.

રાજય ધોરી માર્ગોની કુલ 70 કી.મી. લંબાઇને ચાર માર્ગીકરણ કરવા માટે રૂ. 309 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. અમદાવાદ-મહેસાણા ચાર માર્ગીય રસ્તાને છ માર્ગી કરવાની કામગીરી માટે રૂ. 100 કરોડની જોગવાઇ ખુબ જ લોકપ્રિય એવી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2011 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. તે અંતર્ગત નોનપ્લાન રસ્તાઓના બાંધકામ અને સુધારણા માટે રૂ. 936 કરોડ અને અન્ય જિલ્લા માર્ગો અને થ્રુ-રૂટને પહોળા કરવાની કામગીરી માટે રૂ. ર44 કરોડની જોગવાઇ વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિ ની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવામાં આવશે. ગાંધીનગર-કોબા- હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર રૂ. 136 કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ  કેબલ બ્રીજ તેમજ રક્ષા શકિત સર્કલ પર પર રૂ. પ0 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનું આયોજન કરેલ છે. ગાંધીનગર ખાતે આવેલ ટાઉનહોલનું રૂ. 16 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે.

મોરબીને વિશ્વકક્ષાનું સીરામીક ક્લસ્ટર બનાવવાની સાથે જેતપર-પીપળી રોડ ઉપરાંત મહેન્દ્રનગરથી હળવદને જોડતો માર્ગ ફોરલેન બનાવવાની જાહેરાત આજે બજેટ દરમિયાન કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં બજેટ રજૂ કરતા મોરબીના સિરામીક ઉધોગ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ તેમજ મહેન્દ્રનગરથી હળવદ રોડને ફોરટ્રેક બનાવવાની જાહેરાત કરી આ યોજના માટે રૂ. 309 કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત મોરબીના સિરામીક ક્લસ્ટરને વિશ્વ કક્ષાનુ બનાવવા માટે બજેટમા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મોરબીનો પ્રાણપ્રશ્ન રાજ્ય સરકારે હાથ ઉપર લેતા મોરબી સિરામીક ઉધોગકારોવતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ પ્રભારી મંત્રી સોરભભાઇ પટેલનો મોરબીના ઉદ્યોગપતિઓએ આભાર માન્યો છે.