Abtak Media Google News

સુક્ષ્મ, લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને વધુ એક મોટી રાહત

SIDBIને રૂ.16 હજાર કરોડ ફાળવતી આરબીઆઈ

કોરોનાની વૈશ્વિક મહામારીની દરેક ક્ષેત્ર પર નકારાત્મક અસર ઉપજી છે જેમાંથી ટુરિઝમ, હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રીઝ જેવી કે હોટેલ- રેસ્ટોરન્ટ પણ બાકાત નથી. આર્થિક ફટકામાં સપડાયેલા આ ઉધોગો રાહત માટે સરકાર પાસે માંગ કરી રહ્યા હતા ત્યારે આ માંગને વાચા આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધુ એક મોટી જાહેરાત કરી છે. મહામારી સામે લડવા હોટેલ, રેસ્ટોરન્ટ, બસ ઓપરેટર અને ટુરિઝમ ક્ષેત્રને આરબીઆઈનું “રસીકરણ” મળ્યું છે.  રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસની જાહેરાતમાં સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ એક મોટી

રાહત આપવામાં આવી છે. જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ટુરિઝમ ક્ષેત્રનો સમાવેશ છે. આ ઉધોગોની ટૂંકા અને મધ્યમ ગાળા માટેની નાણાકીય માંગને સંતોષવા માટે સિડબી (સ્મોલ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા)ને 16 હજાર કરોડનો બુસ્ટર ડોઝ અપાયો છે. નિવેદનમાં જણાવાયું છે કે, ટૂંકા અને મધ્યમ ગાળામાં એમએસએમઇની ક્રેડિટ સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા નાના, મધ્યમ કક્ષાના વ્યવસાયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ ચક્ર શરૂ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. એસઆઈડીબીઆઇને રૂ .16,000 કરોડની વિશેષ પ્રવાહિતા, સુવિધા આપવામાં આવી છે. જેનાથી બજારમાં તરલતા પણ આવશે. આ સાથે આરબીઆઈ દ્વારા એમએસએમઇ માટે લોનની પુનર્ગઠનની મર્યાદા રૂપિયા 25 કરોડથી વધારીને 50 કરોડ કરી દીધી છે.

આરબીઆઈએ કહ્યું છે કે આનાથી એમએસએમઇ અને નોન-એમએસએમઇ નાના વેપાર અને વ્યવસાયિક લોનના વ્યક્તિગત ગ્રાહકોને રાહત મળશે. 5 મેના રોજ રિઝર્વ બેંકે ફ્રેમવર્ક 2.0 ની જાહેરાત કરી હતી. બેંકે જણાવ્યું કે કોવિડની બીજી તરંગે નાના ઉદ્યોગોને અસર કરી છે. તેથી, આરબીઆઈએ તેમને ફરીથી પાટા પર લાવવા માટે લોન પુનર્ગઠનનો અવકાશ વધારવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અગાઉ આ યોજનાનો લાભ નહીં લેનારા ઉદ્યોગપતિઓ અને એમએસએમઇના 25 કરોડ રૂપિયા સુધીની લોન માટે પુનર્ગઠન સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. હવે તેને વધારીને 50 કરોડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.