હોકી વર્લ્ડકપમાં ભારતનો મોટો વિજય: જાપાનને 8-0થી કચડ્યું

ક્લાસિફિકેશન મેચમાં ભારત તરફથી હરમનપ્રીત અને અભિષેકે બે-બે ગૉલ કર્યા હતા

ભારત અને જાપાન વચ્ચે રમાયેલી હૉકી ક્લાસિફિકેશન મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ છે. હૉકી વર્લ્ડકપ 2023ની ક્લાસિફિકેશન મેચમાં ટીમ ઇન્ડિયાએ જાપાનને 8-0થી સજ્જડ પરાજય આપ્યો છે. ઓડિશમાં રમાઇ રહેલા હૉકી વર્લ્ડકપ 2023માં ક્લાસિફિકેશન રાઉન્ડની શરૂઆત થઇ હતી, આ રાઉન્ડમાં ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયેલી ટીમો વચ્ચે બેસ્ટ સ્થાન મેળવવા માટે જંગ જામ્યો હતો, મેચમાં ભારત અને જાપાન વચ્ચે ટક્કર થઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયા દમખમ બતાવતા જાપાનને 8-0થી રગદોળી નાંખ્યુ હતુ.

મેચમાં 9માંથી 16માં સ્થાન માટે કુલ 4 મેચો રમાઇ રહી છે. જીતનારી ટીમ આગળ જઇને 9માથી 12માં સ્થાન માટે મેચ રમશે. વળી, હારનારી ટીમને 13માંથી 16માં સ્થાન માટે મેચો રમવી પડશે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચમાં હારી ગયેલી ટીમ ઇન્ડિયાએ આજે જાપાન સામે શાનદાર મોટી જીત હાંસલ કરી લીધી છે.  ક્લાસિફિકેશન મેચની વાત કરીએ તો ભારત તરફથી હરમનપ્રીત અને અભિષેકે બે-બે ગૉલ કર્યા હતા. ભારતની આક્રમક રમત સામે જાપાન આજની મેચમાં એકપણ ગૉલ ના કરી શકી.હાફટાઇમ સુધી સ્કૉર 0-0 પર રહ્યો હતો, બીજા હાફમાં એટલે કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ભારતે ગૉલનો વરસાદ કરી દીધો અને મેચનું પાસુ પલડુ દીધુ હતુ, ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત અને અભિષેકે 2-2 ગૉલ કર્યા હતા. આ ઉપરાંત મનદીપ સિંહ, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ અને સુખજીત સિંહે 1-1 ગૉલ કર્યો હતો.