Abtak Media Google News

‘અબતક’માં ૯મી ડિસેમ્બરે પ્રસિઘ્ધ થયેલો અહેવાલ સચોટ પુરવાર

મેયર બીનાબેન આચાર્ય અને શાસક પક્ષનાં નેતા દલસુખ જાગાણીની સત્તાવાર જાહેરાત: ૧૮મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકાશે

૫ ગામોનો રાજકોટમાં સમાવેશ થતા કોર્પોરેશનની હદ ૧૨૯.૨૧ ચો.મી.થી વધી ૧૬૩.૩૨ ચો.મી. પહોંચશે: વસતીમાં પણ ૩૧,૪૬૪નો વધારો થશે

તા.૯-૧૨-૨૦૧૯ના રોજ એકમાત્ર અબતકમાં રાજકોટમાં મહાપાલિકામાં પાંચ ગામો ભળશે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરાયો

888 2

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવશે. ટુંક સમયમાં જનરલ બોર્ડમાં આ અંગે દરખાસ્ત મંજુર કરાશે તેવો ગત ૯મી ડિસેમ્બરનાં રોજ ‘અબતક’ દૈનિકમાં પ્રસિઘ્ધ કરાયેલો અહેવાલ સચોટ પુરવાર થયો છે. મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-૧નો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. આગામી ૧૮મીનાં રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં આ અંગે અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવામાં આવશે તેવી સતાવાર જાહેરાત આજે મેયર બિનાબેન આચાર્ય અને શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારનાં નજીકનાં ગામો અને વિસ્તારોને મહાપાલિકાની હદમાં ભેળવવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને દરખાસ્ત કરવા જણાવવામાં આવ્યું હતું. છેલ્લે જાન્યુઆરી-૨૦૧૫માં રાજકોટ તાલુકાનાં વાવડી અને કોઠારીયા ગામને રાજકોટ મહાપાલિકામાં ભેળવવામાં આવતા મહાપાલિકાનું ક્ષેત્રફળ ૧૨૯.૨૧ ચો.કિ.મી.થયું છે. શહેરને લાગુ રાજકોટ તાલુકાનાં મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર માધાપર અને માધાપરની હદમાં આવતા મનહરપુર-૧ ગામને રાજકોટ મહાપાલિકામાં ભેળવવામાં આવશે. આ અંગે આગામી ૧૮મીનાં રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરવામાં આવશે અને તે મંજુર કરી રાજય સરકારમાં મોકલવામાં આવશે. હાલ કોઠારીયા અને વાવડીનો સમાવેશ કરાયા બાદ રાજકોટ મહાપાલિકાની હદ ૧૨૯.૨૧ ચો.મી. થવા પામી છે. દરમિયાન ઉકત પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવતા હવે રાજકોટની હદમાં ૩૪.૧૧ ચો.કિ.મી.નો વધારો થશે અને શહેરની હદ ૧૬૩.૩૨ ચો.કિ.મી.એ પહોંચશે. શહેરનાં ૧૮ વોર્ડની વસ્તી હાલ ૧૩,૪૬,૧૯૨ છે. પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવતા વસ્તીમાં ૩૧,૪૬૪નો વધારો થશે અને શહેરની વસ્તી ૧૩,૭૭,૬૫૬ પહોંચશે. નવાગામ અને રોણકીને પણ રાજકોટમાં ભેળવવાની વાત ચાલી રહી હતી પરંતુ રાજય સરકાર દ્વારા આ બે ગામોને મહાપાલિકાની હદમાં ભેળવવા માટે કોઈપણ પ્રકારની સુચના આપવામાં આવી નથી.

મેયર બીનાબેન આચાર્યએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટામવાનો વિસ્તાર ૬૯૩ હેકટર છે. જયારે મુંજકાનો વિસ્તાર ૭૪૮ હેકટર, ઘંટેશ્ર્વરનો વિસ્તાર ૮૨૩ હેકટર, માધાપરનો વિસ્તાર ૧૦૦૨ હેકટર અને મનહરપુર-૧નો વિસ્તાર ૦.૦૩ હેકટર છે. આમ પાંચેય ગામોનો કુલ વિસ્તાર ૩૪.૧૧ હેકટર છે. વસ્તી જોવામાં આવે તો મોટામવાની વસ્તી ૫૭૫૯, મુંજકાની વસ્તી ૩૪૮૩, ઘંટેશ્ર્વરની વસ્તી ૫૮૭૪, માધાપરની વસ્તી સૌથી વધુ ૧૫,૦૩૬ જયારે મનહરપુર-૧ની વસ્તી ૧૩૧૨ની છે. ૪ ગામોનો જ રાજકોટમાં સમાવેશ કરવામાં આવનાર છે પરંતુ મનહરપુર-૧નો અમુક ભાગ માધાપર હદમાં ફાળવવામાં આવેલો હોવાનાં કારણે તેને ફરજીયાતપણે મહાપાલિકા હદમાં ભેળવવામાં આવશે. ઉકત ગામોનો રાજકોટમાં સમાવેશ કરવામાં આવતા વોર્ડની સંખ્યામાં પણ એકાદ વોર્ડ વધે તેવું માનવામાં આવી રહ્યું છે. ૨૦૨૦માં યોજાનારી મહાપાલિકાની સામાન્ય ચુંટણીમાં ઉકત તમામ ગામોનો સમાવેશ કરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.