કન્હૈયાલાલ હત્યાકાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ: સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, ગૃહમંત્રાલય પણ એક્શન મોડમાં

રાજસ્થાનમાં કન્હૈયાલાલ નામના શખ્સની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેની તપાસમાં અત્યાર સુધી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે પરંતુ હવે તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા જ મામલો વધુ ગભીર બન્યો છે

ઘાતકી હત્યાની તપાસમાં અત્યાર સુધી જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. તપાસમાં આ હત્યાની કડી પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. આ ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓનું કનેક્શન કરાચી સ્થિત સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે હોવાનું સામે આવ્યું છે. તેમજ પાકિસ્તાન સ્થિત કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક સાથે પણ સંબંધ છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે. રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટને કારણે દરજી કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી 38 વર્ષીય રિયાઝ અટારી અને ઉદયપુરના રહેવાસી 39 વર્ષીય ગૌસ મોહમ્મદે ટેલર કન્હૈયાલાલની તીક્ષ્ણ હથિયાર વડે ગરદન કાપીને હત્યા કરી હતી. મહત્વનું છે કે, આરોપી રિયાઝ વેલ્ડર છે અને તેણે આ વિવાદના ઘણા સમય પહેલા જ હત્યામાં વપરાયેલ હથિયાર તૈયાર કર્યું હતું.

પાકિસ્તાની સંગઠન સાથે સંબંધની કબૂલાત કરી

બંને આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં તેઓએ સુન્ની ઈસ્લામના સૂફી બરેલવી સંપ્રદાય સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. તેમણે કરાચીમાં હાજર સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાણ પણ સ્વીકાર્યું છે. કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં અન્ય કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને ‘મુસ્લિમ બ્રધરહુડ’ સાથે તેમના સંબંધો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગૃહમંત્રાલયે NIAએ આપ્યા તપાસના આદેશ

ઉદયપુર મામલામાં ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આદેશ આપ્યા છે કે, તે આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયુ છે કે, આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે તેવું કહેવાયું છે.

સીએમ અશોક ગેહલોત ઉચ્ચ સ્તરિય બેઠક કરશે

હાલ ઉદયપુરની ઘટના બાદ રાજસ્થાનમાં પોલીસ એલર્ટ પર છે. આ તમામની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજધાની જયપુર પહોંચ્યા છે. તે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય સમીક્ષા બેઠક કરશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તથા હુમલો કરનારા લોકોના નેટવર્કની તપાસ કરવા માટે SITની ટીમ બનાવીને જયપુર મોકલી છે તે આગળ નો અહેવાલ તૈયાર કરશે.

હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરાઈ છે

 

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યૂ લગાવ્યો છે, તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગૂ કરી દીધી છે. તથા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેંકના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે.