Abtak Media Google News

રૂા.12.60 લાખની કિંમતનું બાયો ડીઝલ, ટેન્કર, સ્ટોરેજના ટાકા અને ફયુલ પંપ મળી રૂા.31.10 લાખનો મુદામાલ કબ્જે

ધોરાજીના ફરેણી રોડ પર બાયો ડિઝલ બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની બાતમીના આધારે ગત મોડીરાતે રૂરલ એસઓજી સ્ટાફે દરોડો પાડી બાયો ડિઝલ, ટેન્કર, સ્ટોરેજ ટાંકા અને ફયુલ પંપ સહિત રૂા.31.10 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ફરેણી રોડ પર રેલવે ટેક પાસે વંડામાં ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી અને જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા નામના શખ્સો બાયો અલગ અલગ જવલંતશીલ પ્રવાહીનું મિશ્રણ કરી ભેળસેળ યુક્ત બાયો ડિઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, જી.જે.ઝાલા, એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેસભાઇ અગ્રાવત અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોડીરાતે દરોડો પાડયો હતો.

ધોરાજીના જેતપુર રોડ પર માથુકીયા વાડી પાસે રહેતા દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી, સંતોષીમા ગરબી ચોકમાં રહેતા જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, ગાંધીધામ પાસે આવેલા પડાણાના હસ્તબહાદુર કાશીરામ ભુડાક્ષેત્રી અને રાજન દત્તે નેપાળી નામના શખ્સોને રૂા.12.60 લાખની કિંમતના 21 હજાર લિટર બાયો ડિઝલ, રૂા.15 લાખની કિંમતનું જી.જે.12એડબલ્યું.7096 નંબરનું ટેન્કર, રૂા.3 લાખની કિંમતનો સ્ટોરેજનો ટાંકો, રૂા.5 હજારની કિંમતની ઇલેકટ્રીક મોટર અને પ્લાસ્ટીકના કેરબા મળી રૂા.31.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ગાંધીધામના પડાણાના હસ્તબહાદુર રાજપૂત અને રાજન નેપાળી ધોરાજી ખાતે ટેન્કર લઇને બાયો ડિઝલ ખરીદ કરવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિનેશ કોયાણી અને જયરાજસિંહ ચુડાસમા કેટલા સમયથી બાયો ડિઝલ બનાવી વેચાણ કરતા હતા અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પોલીસે પૂછપરછ હાથધરી છે. ડિઝલના ભાવ વધતા વાહન ચાલકો પોતાના વાહનમાં બાયો ડિઝલનો ઇંધણ તરીકે ઉપયોગ કરી પદુષણ ફેલાવતા હોવાથી સરકાર દ્વારા બાયો ડિઝલના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશના પગલે પોલીસે બાયો ડિઝલના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.