Abtak Media Google News

ઓફલાઈન મંજૂરી આપવા કલેકટરને કરાય રજૂઆત

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધુ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઈઝ શોપર્સ એન્ડ કેરોસીન લાયન્સ હોલ્ડર એસોશીએસન (સસ્તા અનાજની દુકાનદારો)એ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને અનાજની વિતરણ વ્યવસ્થા ઓનલાઈન કુપનને બદલે ઓફલાઈનની મંજુરી આપવા રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ હાલ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ચાલુ જુલાઈ મહિનામાં રેશનકાર્ડ પર અનાજના વિતરણ માટે બાયોમેટ્રીક પધ્ધતિ એટલે કે અંગુઠો લઈ ઈ-કુપનને આધારે વિતરણ કરવાની સુચના આપી છે. જેના કારણે જિલ્લાના અંદાજે ૫૪૦થી વધુ સસ્તા અનાજની દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાયોમેટ્રીક સીસ્ટમને કારણે રેશનકાર્ડધારકોના વારંવાર અંગુઠા લેવાના થતાં હોય કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે તેમજ રેશનીંગ દુકાનદારોના આરોગ્યનું પણ જોખમ વધી જાય છે. આથી અગાઉ મુજબ ઓફલાઈન પધ્ધતિથી જ ચાલુ મહિને અનાજનું વિતરણ કરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત સરકારની સુચના મુજબ લોકડાઉન દરમ્યાન પણ તમામ રેશનીંગ દુકાનદારોએ અનાજનું વિતરણ કર્યું છે છતાં હજુ સુધી જુન મહિનાનું કમીશન ચુકવવામાં આવ્યું નથી.

તેમજ ફેબુ્રઆરી મહિનામાં ભરેલ ખાંડ, મીઠું અને દાળની રકમ પરત આપવામાં આવી નથી અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ દરેક રેશનીંગ દકાદારોના કોરોના ટેસ્ટ કરવામાં આવે અને દુકાનને સેનેટાઈઝ કરવામાં આવે સહિતની પણ માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.