Abtak Media Google News

મુખ્યમંત્રીના જન્મદિને બે સ્થળે યોજાશે સેવા સેતુ કાર્યક્રમ : કોર્પોરેશનની ત્રણ નવી સેવાઓનું વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાશે લોકાર્પણ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને સોમવારે સવારે 9 વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્તરીતે શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ખાતે અને ઈસ્ટ ઝોન માટે પેડક રોડ પર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવશે.

ઉપરાંત  મહાપાલિકાની ત્રણ નવી સેવાઓ પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવશે. આ અવસરે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદ, ધારાસભ્યઓ અને રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે સેવા સેતુ શ્રંખલાનો આ છઠ્ઠો તબક્કો છે. મહાપાલિકા દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં એન.યુ.એલ.એમ. હેઠળની સ્વસહાય જૂથ રચના, બેન્કેબલ યોજના, કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર, સ્વસહાય જૂથ રિવોલ્વિંગ ફંડ, એરિયા લેવલ ફેડરેશન ફંડ, રેગ પીકર્સ આર્થિક વિકાસ યોજના, ઈ-બાઈક પ્રમોશન, દીકરી યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય, સુક્ધયા સમૃધ્ધિ યોજના, વગેરે સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ બનાવાશે.

રાજકોટ શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે.

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જીઆઇએસ પ્રોજેક્ટ હેઠળ સિટીઝન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.  રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક  વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તે માટે  ઝોનલ કચેરી  ઉપરાંત તમામ 18 વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.