Abtak Media Google News

૨૫૬ જીબીની ક્ષમતા કરતા વધુનાં સ્ટોરેજમાં બીઆઈએસ ક્લિયરન્સ હોવું જરૂરી

દેશમાં ચાઈનાની ઈલેકટ્રોનિક ચીજ-વસ્તુઓનું વેચાણ પુષ્કર પ્રમાણમાં થઈ રહ્યું હોવાનું સામે આવે છે જેનાથી અનેકવિધ પ્રકારની તકલીફોનો પણ સામનો ભારત દેશને કરવો પડયો છે. આ તમામ ચીજ-વસ્તુઓ અને મુદાઓને ધ્યાને લઈ એકસટર્નલ હાર્ડ ડ્રાઈવ સહિતની ઈલેકટ્રોનિક વસ્તુઓમાં ગુણવતા જાળવવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડનું રજીસ્ટ્રેશન હોવું અત્યંત જરૂરી અને અનિવાર્ય બન્યું છે ત્યારે હવે એકસટર્નલ હાર્ડ ડ્રાઈવની સાથો સાથ વાયરલેસ હેડ ફોન, ઈઅર ફોન, ટેલીવિઝન, એલસીડી તથા એલઈડી ટીવી સેટ માટે ડીઆઈએસનું રજીસ્ટ્રેશન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

સરકારનાં નોટીફીકેશન મુજબ હવે તમામ એલઈડી મોડયુલ કે જે જનરલ લાઈટીંગ, લાઈટીંગ ચેઈન, લાઈટીંગ રોપ, ઈન્ડકશન સ્ટવ, ઓટોમેટીક ટેલર કેસ ડિપેન્સીંગ મશીન, યુ.એસ.બી. એકસટર્નલ હાર્ડ ડ્રાઈવ સહિતની અનેક ચીજવસ્તુઓ માટે બીઆઈએસનું ક્લિયરન્સ અત્યંત જરૂરી બન્યું છે. બીઆઈએસ માટે ઈલેકટ્રોનિક મ્યુઝીકલ સિસ્ટમ સહિત કોઈપણ સ્ટોરેજ કેપેસીટી કે જે ૨૫૬ જીબીથી વધુની ક્ષમતા ધરાવતું હોય તેના માટે પણ ડીઆઈએસ ક્લિયરન્સ અત્યંત જરૂરી છે.

સરકારનું માનવું છે કે જે રીતે ઈમ્પોટેડ ઈલેકટ્રોનિક ચીજ-વસ્તુઓ દેશમાં આવી રહી છે તેનાથી કેવી રીતે બચી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયા, મલેશિયાથી આવતા એલઈડી, હાર્ડ ડ્રાઈવ અને હેડ ફોનની તમામ ચીજવસ્તુઓ માટે બીઆઈએસ હોવું જરૂરી છે. માત્ર ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ જ નહીં પરંતુ મોબાઈલ ફોન અને વાયરલેસ પ્રોડકટને પણ બીઆઈએસ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

સરકારનું માનવું છે કે, વિદેશથી આવતા આ તમામ ચીજવસ્તુઓનો ગેરઉપયોગ જે રીતે થતો જોવા મળી રહ્યો છે તેનાથી દેશને કેવી રીતે બચાવી શકાય તે દિશામાં હાલ સરકાર દ્વારા આ પગલા લેવામાં આવ્યા હોય તેમ પણ માનવામાં આવે છે. બીઆઈએસ રજીસ્ટ્રેશન થવાથી તમામ ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓનું જે વેચાણ થશે તે હવે ગુણવતાયુકત હોવાથી જે ફરિયાદો ઉઠવા પામતી હોય છે તે હવે નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.