Abtak Media Google News

કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવારે ભાજપ એક ઉમેદવાર માટે છઠ્ઠી યાદી જાહેર કરશે

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ અલગ-અલગ ચાર યાદીઓમાં 178 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. દરમિયાન આજે બપોરે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બાકી રહેતી ચાર પૈકી ત્રણ બેઠકો માટે ઉમેદવારનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. વડોદરાની માંજલપુર બેઠક માટે હજુ ઉમેદવાર નક્કી કરવામાં ગડમથલ ચાલી રહી છે. જે નામ આજે સાંજે અથવા આવતીકાલે સવારે જાહેર કરી દેવામાં આવશે.

ભાજપ હાઇકમાન્ડ દ્વારા આજે બપોરે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ત્રણ બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. 20-ખેરાલું વિધાનસભા બેઠક માટે સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 37-માણસા વિધાનસભા બેઠક માટે જેન્તીભાઇ પટેલના નામની વિધિવત ઘોષણા કરવામાં આવી છે. જ્યારે 133-ગરબાડા વિધાનસભા બેઠક માટે મહેન્દ્રભાઇ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. વડોદરાની માંજલપુર બેઠક માટે હજુ ઉમેદવારોના નામને લઇ ભાજપમાં જબ્બરી ગડમથલ ચાલી રહી છે.

બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે તે તમામ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા આજે સાંજ સુધીમાં માંજલપુર બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. જો આજે સાંજે ઉમેદવાર જાહેર નહી કરવામાં આવે તો આવતીકાલે સવારે ઉમેદવારોના નામની છઠ્ઠી યાદી જાહેર કરાશે. બીજી તરફ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જો માંજલપુર બેઠક માટે  ગડમથલ યથાવત રહેશે તો ભાજપ કોઇ ઉમેદવારને ડાયરેક્ટ ફોર્મ ભરાવવાની સૂચના આપી દેશે અને ત્યારબાદ તેને પાછળની મેન્ડેટ આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.