કેબીનેટ મંત્રી બાવળીયાના ગઢમાં ભાજપ સત્તાથી વંચીત, રાદડીયાના ગઢમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

જસદણ અને વિછીંયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતિ: જામકંડોરણામાં તમામ બેઠકો ભાજપના ખાતામાં

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપને અઢી દાયકા બાદ સૌથી મોટો અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે. પરંતુ સૌથી મહત્વની અને આંખે ઉડીને વળગે તે વાત એ રહી છે કે રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના ગઢ ગણાતા જસદણ અને વીછીંયા તાલુકા પંચાયતમાં ભાજપને ધોબી પછડાટ મળી છે રાજકોટ જીલ્લાની 11 પૈકી નવ તાલુકા પંચાયતમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવ્યું છે. જયારે વિછીંયા અને જસદણમાં સત્તાથી વંચિત રહ્યું છે. તો કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાના ગઢ એવા જામકંડોરણામાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી.

રાજકોટ જીલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી ભાજપ રપ બેઠકો પર જયારે કોંગ્રેસના ફાળે માત્ર 11 બેઠકો આવી છે જિલ્લાની કુલ 11 તાલુકા પંચાયતમાંથી 9 તાલુકા પંચાયતોમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે વિજેતા બન્યું છે. જયારે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જયાંથી ચૂંટાય આવ્યા છે તે જસદણ અને વીછીંયા તાલુકા પંચાયતમાં ભાજપને હારનો સામનો કરવો પડયો છે. જસદણ તાલુકા પંચાયતની રર બેઠકોમાંથી ભાજપ માત્ર છ બેઠકો પર વિજેતા બન્યું હતું. જયારે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે અને બે બેઠકો અપક્ષોના ફાળે ગઇ છે. વીછીંયા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 1ર બેઠકો પર કોંગ્રેસની જીત થવા પામી છે. જયારે ભાજપને ફાળે માત્ર 6 બેઠકો આવી છે. કેબીનેટ મંત્રીના ગઢમાં ભાજપની હાર થતાં રાજયભરમાં આ મુદ્દો હાલ ચર્ચાઇ રહ્યો છે.

જિલ્લાની અન્ય તાલુકા પંચાયત રાજકોટ, કોટડા સાંગાણી, લોધીકા, પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામકંડોરણા તાલુકા પંચાયતમાં ભાજપને પૂર્ણ બહુમત પ્રાપ્ત થયો છે. ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને આઠ આઠ બેઠકો પ્રાપ્ત થતા અહીં અપક્ષો કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. તો જામકંડોરણા તાલુકો જે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનો ગઢ છે. જયારે કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી. આમ એક કેબીનેટ મંત્રીના ગઢમાં કોંગ્રેસ બે તાલુકા પંચાયતમાં સત્તાદઢ થઇ છે તો એક કેબીનેટ મંત્રીના ગઢમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી.

જિલ્લા/તાલુકા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અન્ય કુલ
રાજકોટ જિલ્લા પંચાયત 25 11 0 0 36
રાજકોટ તાલુકા પંચાયત 13 7 0 2 22
કોટડા સાગાણી તાલુકા પંચાયત 10 6 0 0 16
લોધીકા તાલુકા પંચાયત 11 5 0 0 16
પડધરી તાલુકા પંચાયત 11 4 1 0 16
જસદણ તાલુકા પંચાયત 6 14 0 2 22
વિંછીયા તાલુકા પંચાયત 6 12 0 0 18
ગોંડલ તાલુકા પંચાયત 21 1 0 0 22
જેતપુર તાલુકા પંચાયત 16 2 0 2 20
ધોરાજી તાલુકા પંચાયત 9 7 0 0 16
જામકંડોરણા તાલુકા પંચાયત 15 0 0 1 16
ઉપલેટા તાલુકા પંચાયત 8 8 0 2 18