રાજકોટ સહિત ૬ મહાપાલિકાઓ માટે ભાજપે ઇન્ચાર્જ ન નીમ્યા !!

કોર્પોરેશન માટે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ દ્વારા ઇન્ચાર્જની નિમણૂક કરાય તેવી સંભાવના

ગત શનિવાર અને રવિવાર એમબે દિવસ માટે પ્રદેશ ભાજપની ચિંતન બેઠક યોજાઇ હતી.જેમાં ગઈકાલે સાંજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ચુંટણી ઇન્ચાર્જ અને ૩૧ જિલ્લા માટે બબ્બે  ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી.રાજ્યની આઠ પૈકી છ મહાનગરપાલિકાઓની વર્તમાન બોડીની મુદત ગઈકાલે પૂર્ણ થઈ જવા પામી છે અને ચૂંટણીની તૈયારીઓ પણ તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે છતાં પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા ૬ મહાનગરપાલિકાઓ માટે ઇન્ચાર્જની વરણી કરવામાં આવી નથી.જે આગામી દિવસોમાં કરવામાં આવશે. રાજકોટ જિલ્લા માટે પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઇન્ચાર્જ તરીકે રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત પ્રકાશભાઇ સોની ની નિમણૂક કરવામાં આવી છે તેઓ જિલ્લાની તેઓ જિલ્લા પંચાયત અને અલગ-અલગ નગરપાલિકાઓ માટે ઉમેદવારની પસંદગી ચૂંટણી વ્યૂહ રચના સહિતની કામગીરીની દેખરેખ રાખશે. રાજકોટ મહાનગર પાલિકા માટે પ્રદેશ ભાજપ દ્વારા ઇન્ચાર્જ નિમણૂક કરવામાં ન આવી હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું છે તેઓએ ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં હાઈકમાન્ડ દ્વારા રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જામનગર અને ભાવનગર એમ છ મહાપાલિકાઓ કે જેની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. તેના માટે ઇન્ચાર્જ નિમણૂક કરવામાં આવશે  વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતાની સાથે જ ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.