ભાજપ સરકાર લોકોની અપેક્ષાઓ મુજબ કામ કરી રહી છે:ગોવિંદભાઇ પટેલ

વોર્ડ નં.16, 17 અને 18ના નાગરિકો માટે આઠમાંં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને  મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ માટે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નં.63 દેવપરા શાકમાર્કેટ પાછળ કોઠારીયા રોડ ખાતે વોર્ડનં. 16, 17, અને 18ના નાગરિકો માટે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, લોકશાહીના પર્વમાં ચૂંટણીઓ આવતી હોય છે, ચૂંટણી બાદ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય, કોર્પોરેટરો બદલાતા રહેતા હોય છે પરંતુ જે સરકાર લોકો માટે સારા નિયમો બનાવે, સરકારી યોજનોનો લાભ લોકોના ઘર સુધી પહોંચાડે અને દરેક સમાજને ધ્યાનમાં રાખી કામ કરે તેવી સરકાર લોકો ઇચ્છતા હોય છે હાલની ભાજપની સરકાર લોકોની અપેક્ષાઓ મુજબ કામગીરી કરી રહી છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે લાભાર્થીઓએ જુદી જુદી કચેરીઓએ ધક્કા ખાવા પડતા હોય છે જે ધ્યાનમાં રાખી ભાજપની સરકાર દ્વારા તબક્કાવાર સેવાસેતુ યોજી એક જ છત નીચે તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવું આયોજન કરેલ છે.

વિશેષમાં ધારાસભ્યએ જણાવેલ કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય તે માટે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂ. પાંચ લાખ સુધીની સારવારનો લાભ મળે છે. ગઈકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિચરતી જાતિને આવાસો ફાળવેલ. આવા વર્ગના લોકોએ એક જગ્યાએ સ્થાયી થાય તેવા હેતુથી રાજ્ય સરકારે આવાસ ફાળવવાનું આયોજન કરેલ. આ સમયે વિચારતી જાતિના એક સદસ્યએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, શબરીની ધરે રામ આવ્યા અને જે ખુશી મળે તેવી ખુશી આજ રોજ થઇ રહી છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા પોતાની રોડ, રસ્તા, ડ્રેનેજ, લાઈટ જેવી પ્રાથમિક જવાબદારીની સાથેસાથે શહેરીજનોના સુખાકારી માટે અનેક યોજનાઓ હાથ ધરી રહી છે.

આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યુ હતું કે, રાજ્યની તમામ સેવાઓ માટે લોકો કચેરીએ ધક્કા ખાય, પોતાનો સમય, નાણાનો વ્યય થાય તે ધ્યાનમાં રાખી રાજ્ય સરકરા દ્વારા રાજ્યમાં જુદા જુદા સેવાસેતુના તબક્કાઓ યોજી લોકોના ઘર આંગણે એકી સાથે વિવિધ સેવાઓનો લાભ મળી શકે તેવું આયોજન કરેલ છે. અગાઉની સરકારમાં લાભાર્થીને એક રૂપિયો ફાળવે ત્યારે લાભાર્થી પાસે માત્ર 15 પૈસા પહોંચતા હતા વચ્ચે વચેટીયાઓ દ્વારા ભ્રસ્ટાચાર થઇ જતો હતો. હાલની ભાજપની સરકાર દ્વારા લાભાર્થીઓને સરકારની સહાય લાભાર્થીના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ શહેરીજનોની સુખાકારી માટે સિટી બસ સર્વિસ, ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે જુદાજુદા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો, ટ્રાફિક સમસ્યાની સુવિધા હળવી થાય તે માટે વિવિધ જુદાજુદા વિસ્તારોમાં ઓવરબ્રીજો, ગાર્ડન વિગેરે જેવી અનેક કાર્યો કરી રહી છે. આજના સેવાસેતુંમાં આ વિસ્તારના વધુને વધુ લોકો લાભ લ્યે તેવી મેયરે  અપીલ કરી હતી.

આ પ્રસંગે મ્યુનિ. કમિશનરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ સેવાસેતુમાં આવરી લેવાયેલ 57 જેટલી સેવાઓની વિગતો આપેલ હતી. મહાનુભાવોના વરદ હસ્તે ટોકનરૂપે પી.એમ.સ્વનિધિ લોનના મંજૂરી પત્રો, આયુષ્માન કાર્ડ વિગેરે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વોર્ડ નં. 17ના કોર્પોરેટર અને શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવાએ આભાર વિધિ કરી હતી.