- જિલ્લા અને મહાનગરોના પ્રમુખો ગુંચવાયેલું કોંકડુ ઉકેલાય જાય તેવી શક્યતા: નવા પ્રદેશ પ્રમુખની નિયૂક્તી માટે પણ પ્રક્રિયા હાથ ધરાશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ગુજરાતના મહેમાન બન્યા છે. તેઓ બે દિવસનું રોકાણ કરશે. સંગઠન પર્વ અંતર્ગત હાલ જિલ્લા અને મહાનગરોના પ્રમૂખોની નિયૂક્તી પ્રક્રિયા ગોટે ચડી છે. નડ્ડા આ ગુંચવાયેલી ગાંઠ ઉકેલે તેવી સંભાવના પણ જણાય રહી છે. આ ઉપરાંત નવા પ્રદેશ પ્રમુખની નિયૂક્તી માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
ભાજપ દ્વારા હાલ સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં બૂથ સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મંડલ પ્રમુખની પણ નિયૂક્તી કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લા અને મહાનગરોના પ્રમૂખ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવાયા બાદ રાજ્યભરમાં વિરોધ વંટોળ અને જૂથવાદના લબકારા ફાટી નિકળ્યો હતો. જેના કારણે જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત પાછી ઠેલાઇ રહી છે. સ્થાનિક કક્ષાએથી જે નિર્ણયો લેવા જોઇએ તે મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ તેઓ પણ નામો નક્કી કરી શક્યા ન હતા. હવે આજે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે.પી. નડ્ડા આજે સાંજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે સાંજે તેઓ અમદાવાદમાં ડોક્ટર્સ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે.
ભાજપના સંગઠન પર્વની પ્રક્રિયા હાલ વિલંબમાં પડી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજથી બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતની મુલાકાત દરમિયાન નડ્ડા ગુજરાતમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને મળશે. સૌ પ્રથમ નડ્ડા અમદાવાદમાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજનાના આરંભ પ્રસંગે સોલા વિસ્તારમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે. તે પછી નડ્ડા આઈઆઈએમ અમદાવાદમાં આરોગ્ય વ્યવસ્થાપનનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરશે. સાંજે તેઓ ફાર્માસ્યુટિકલ રિસર્ચ સંસ્થા નાઈપર-ગાંધીનગરમાં જઈ અહીંના સંશોધકો અને છાત્રો સાથે એક પરિચર્ચામાં ભાગ લેશે.
રવિવારે તેઓ અમદાવાદની એક ખાનગી હોટેલમાં ભાજપના ડોક્ટર સેલના નેતાઓ તથા શહેરના નામાંકિત તબીબો સાથે ચર્ચા કરવાના છે. બાપુનગરમાં સંવિધાન દિવસની ઉજવણીમાં પણ નડ્ડા હાજર રહેશે. આ દરમિયાન શનિવારે સાંજે અને રવિવારે સવારે નડ્ડાએ કેટલોક સમય પોતાના માટે અનામત રાખ્યો છે.જેમાં તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે અને નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ ઊપરાંત જીલ્લા અને મહાનગરોના પ્રમુખના નામો નક્કી કરવા અંગે નિર્ણય લઈ શકે છે.
કમુરતા બાદ ભાજપ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખના નામો જાહેર કરવામાં આવશે તેવી શક્યતા જણાતી હતી.પરંતુ ગુંચ વધુ હોવાના કારણે નામો નકકી થઈ શકતા નથી.ભાજપના નવા પ્રદેશ સુકાનીની પણ જાહેરાત થવાની છે. આ જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખોની નિયુક્તિઓની પ્રક્રિયામાં કોકડું ગુંચવાયું છે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોના નામો જાહેર થવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. ઉમેદવારી ફોર્મ ભરાયાના બે અઠવાડિયાથી વધુ સમય બાદ પણ હજુ પણ નામો જાહેર થવાના બાકી છે. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામો અંગે દિલ્હીથી લીલી ઝંડીની રાહ જોવાય રહી છે. સંગઠનની નિયુક્તિ પ્રક્રિયાના વિલંબ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે હોય હવે ગમે ત્યારે નવા જીલ્લા અને મહાનગરોના પ્રમુખોના જાહેરાત થવાની શક્યતા છે.
ગુજરાત ભાજપમાં 34 જિલ્લા અને 17 મહાનગરોના પ્રમુખોનું કોકડું ગુંચવાયુ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ તાજેતરમાં ગુજરાત પ્રવાસે હતા ત્યારે પણ એવી શક્યતા સેવાઈ હતી કે નામોની જાહેરાત કરવામાં આવે. પરંતુ આવું શક્ય બન્યું ન હતું. ભાજપના રાજકીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતમાં છે. કાલે રવિવારે નડ્ડા ગુજરાતમાં હોવાથી હવે મનોમંથન બાદ જ જાહેરાત થશે તેવું લાગી રહ્યું છે.