છ મહાપાલિકાઓનાં પદાધિકારીઓ નકકી કરવા સોમવારે ભાજપ પાર્લામેન્ટ્રરી બોર્ડ

 પ્રદેશ ભાજપે સંભવીતોના નામો અલગ તારવ્યા: સ્થાનિક સંકલન સમિતિ દ્વારા દરેક હોદા માટે ચાર-ચારનામોની પેનલ રજૂ કરાશે

રાજકોટ સહિત રાજયની છ મહાનગરપાલીકાઓમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી તથા સ્થાયી સમિતિનાં 12 સભ્યોની વરણી કરવા માટે આવતા સપ્તાહે 10 થી 12 માર્ચ દરમિયાન અલગ અલગ મહાનગરોમાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે. દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓનાં નામો ફાઈનલ કરવા આગામી સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠક મળશે. જેમાં એક જ દિવસમાં છ મહાપાલિકા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ટિકિટ માંગતી વેળાએ ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા. તેના આધારે હાલ પ્રદેશ ભાજપે અનામત કેટેગરી અને સિનીયોરિટીના આધારે નામો અલગ તારવી લીધા છે. તમામ મહાનગરોમાં સ્થાનિક સંકલન સમિતિને ચાર-ચાર નામોની પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાપાલિકાની ચૂંટણીમાં તમામમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે વિજેતા બન્યું છે. ગત મંગળવારે સરકારી ગેઝેટમાં ચૂંટાયેલા નગરસેવકોનાં નામ પ્રસિધ્ધ થયા બાદ રાજય સરકારનો આદેશ મળતા તમામ મહાપાલિકાના કમિશનર દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજવા તથા સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની વરણી કરવા માટે જનરલ બોર્ડની તારીખોનું એલાન કર્યું છે. આગામી 10 થી 12 માર્ચ દરમિયાન અલગ અલગ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે.

દરમિયાન તમામ છ મહાપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકના નામો નકકી કરવા માટે આગામી સોમવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બપોરે 4 વાગ્યાથી શરૂ થનારી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં મોડીરાત સુધીમાં તમામ છ મહાપાલિકાનાં પદાધિકારીઓનાં નામો નકકી કરવા માટે એક જ દિવસમાં ચર્ચાઓ કરવામાં આવશે.

ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કમળનાં પ્રતિક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો પાસે એક ખાસ ફોર્મ ભરાવ્યું હતુ. દરમિયાન આ ફોર્મનાં આધારે દરેક મહાપાલિકામાં મેયર પદ માટે અનામત કેટેગરી સહિતની બાબતોને ધ્યાનમાં રાખી સંભવીતોના નામો અલગ તારવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સંકલન સમિતિને દરેક પદ માટે ચાર-ચાર નામોની પેનલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ શહેર ભાજપના હોદેદારોને સોમવારે પાર્લામેન્ટરી બોર્ડમાં સાંજે 7 કલાકે બોલાવવામાં આવ્યા છે. આ પૂર્વે શહેર ભાજપના હોદેદારો સવારથી ગાંધીનગર ખાતે પહોચી જશે અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક સહિત કુલ પાંચ પદ માટે ચાર ચાર નામોની પેનલ બનાવશે અને પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેશે.

ભાજપની પ્રણાલી મુજબ માર્લામેન્ટરી બોર્ડ જે તે મહાનગરના સ્થાનિક સંગઠન દ્વારા જે નામોની પેનલ રજૂ કરવામાં આવતી હોય છે. તેમાંથી કોઈ એક વ્યકિતના નામ પર મંજૂરીની મહોર મારી એક બંધ કવરમાં જનરલ બોર્ડના એકાદ કલાક અગાઉ પાંચેય પદ માટે પદાધિકારીઓના નામો મોકલવામાં આવશે.