ભાજપ ખેડૂતોનું સન્માન કરે છે: સી.આર.પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ઓનલાઈન પ્રદેશ ભાજપ કિસાન મોરચાની બેઠક મળી

ગઈકાલે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ ભાજપા કિસાન મોરચાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ભાજપા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયા, મહામંત્રીઓ, કિસાન મોરચાના અન્ય પદાધિકારીઓ, એ.પી.એમ.સી.ના ચેરમેનો, ખેડૂત અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશને સ્વતંત્રતા મળ્યાના સાત દાયકા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અન્નદાતા એવા કરોડો ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે કૃષિ સુધારાઓને અમલમાં મુકી ખેડૂતોને તેમના ઉત્પાદનના વેચાણ અંગે સ્વતંત્રતા આપી વૈકલ્પિક સુવિધાઓ પ્રદાન કરી છે ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી, ખોટી ભ્રમણાઓ ફેલાવી, દેશના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળવાના બદઈરાદા સાથે ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલા કૃષિ કાયદાઓ બાબતે રાજકીય રોટલા શેકી, કેન્દ્ર સરકારને બદનામ કરવાના કુપ્રયાસો કરી રહ્યાં છે.

પાટીલે જણાવ્યું હતું કે, હકીકત તો એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા કૃષિ સુધારાઓ સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ભાજપા ખેડૂતોનું સન્માન કરે છે, સરકાર ખુલ્લા મને વાતચીત કરીને ખેડૂતોની તમામ શંકા દૂર કરવા તૈયાર છે. એમ.એસ.પી, એ.પી.એમ.સી અને ખેડૂતોની જમીનના સંદર્ભે જુઠ્ઠાણાં ફેલાવી આજે દેશમાં સુનિયોજિત ઢબે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોને ભડકાવી કેટલાક લોકો તેમનો અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દેશનો ખેડૂત શાણો અને સમજુ છે, પોતાનું ભલું શેમાં છે તે સુપેરે જાણે છે, ખેડૂતોને ફક્ત રાજકીય હાથા તરીકે ઉપયોગ કરતી રાજકીય પાર્ટીઓને દેશનો અન્નદાતા ઓળખી ચુક્યો છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ વિવિધ મુદ્દે છણાવટ કરીને બેઠકમાં જોડાયેલા સૌ આગેવાનોને વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દલસાણીયાએ ગુજરાતના સમજુ અને મહેનતુ ખેડૂતો કૃષિ સુધારાઓના મુદ્દે ચાલી રહેલા ભ્રામક અપપ્રચારમાં નહીં આવે તેવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.