Abtak Media Google News

પાંચમી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત કોર્પોરેશનમાં સત્તાનું સિંહાસન ગુમાવનાર

કોર્પોરેશનની પાંચમી સામાન્ય ચૂંટણીમાં ૨૪ બેઠક જીતનાર ભાજપે કોર્પોરેશનની છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં ૬૯ બેઠકો પૈકી ૫૯ બેઠકો જીતી ફરી સત્તા હાંસલ કરી

રાજકોટની જનતાએ મુકેલો વિશ્ર્વાસ ટકાવી રાખવામાં કોંગ્રેસ રહી નિષ્ફળ:પાંચ વર્ષમાં ૪૫ બેઠકો માંથી ૧૦ બેઠકો પર સરકી ગઈ

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં કુલ આઠ વખત સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે.જેમાં સાત વખત ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બની છે તો એક વખત કોંગ્રેસે સત્તા સુખ ભોગવ્યું છે. મહાપાલિકાની પાંચમી સામાન્ય ચૂંટણીમાં ૬૯ બેઠકો પૈકી ૪૫ બેઠકો જીતી સત્તા પર આવનાર કોંગ્રેસ પાસેથી માત્ર પાંચ વર્ષમાં જ ભાજપે સત્તાનું સિંહાસન આંચકી લીધું હતું. ૨૦૦૫માં યોજાયેલી મહાપાલિકાની છઠ્ઠી સામાન્ય ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર વધુ એક વખત ફરી વળ્યું હતું.૬૯ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર જીત હાંસલ કરી હતી અને કોંગ્રેસને ફરી એક વખત નિરાશાની ગર્તામાં ધકેલી દીધી હતી.એકવાર હાર બાદ  ભાજપે જીતની હેટ્રીક લગાવી છે.

રાજકોટવાસીઓએ મહાપાલિકામાં હંમેશા ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય એક પણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવાર પર પોતાનો વિશ્વાસ મૂકવાનું જોખમ ક્યારેય લીધું નથી. મહાપાલિકાની અગાઉની ચાર સામાન્ય ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાનું સિંહાસન ફતેહ કર્યું હતું. જો કે વર્ષ ૧૯૯૫માં યોજાયેલી મહાપાલિકાની પાંચમી સામાન્ય ચૂંટણીમાં એવું કોઈપણ કારણ કે પરિબળ ન હોવા છતાં ભાજપે સત્તામાંથી હાથ ધોવા પડ્યા હતા. રૈયા, મવડી અને નનામવા ગામ રાજકોટમાં ભળ્યા બાદ પ્રથમ વખત કોર્પોરેશનના  ૨૩ વોર્ડની ૬૯ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૪૫ બેઠકો પર વિજયી બન્યો હતો અને ભાજપના ફાળે માત્ર ૨૪ બેઠકો જ આવી હતી. જોકે પાંચ વર્ષના શાસનનો આ તબક્કો  કોંગ્રેસના ઇતિહાસમાં એક કાળી ટીલી સમાન બની રહ્યું હતું.અનેક વિવાદો અને કૌભાંડ આ સમય દરમિયાન બહાર આવ્યા હતા. રાજકોટવાસીઓ પણ જાણે પાંચ વર્ષના કોંગ્રેસના શાસનમાં ગળે આવી ગયા હોય તેવું લાગી રહ્યું હતું.દરમિયાન ૧૪ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની છઠ્ઠી સામાન્ય ચૂંટણી યોજાઇ હતી.

શહેરના ૨૩ વોર્ડની ૫૯ બેઠક માટે યોજાયેલી આ સામાન્ય ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત રાજકોટવાસીઓના દિલ જીતવામાં સફળતા હાંસલ કરી અને ૬૯ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર કમળ ખીલ્યું. જ્યારે અગાઉની ટર્મમાં પાંચ વર્ષ સત્તા ભોગવનાર કોંગ્રેસના ફાળે માત્ર ૧૦ બેઠકો જ આવી હતી.પાંચ જ વર્ષમાં ભાજપ કોંગ્રેસ પાસેથી મહાપાલિકાના સત્તાનું સિંહાસન ઝૂંટવી લેવામાં સફળ રહયો હતો. ૨૭ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું.પ્રથમ અઢી વર્ષ માટે મેયર તરીકેની જવાબદારી ધનસુખભાઇ ભંડેરીએ નિભાવી હતી.જ્યારે બીજી ટર્મમાં અઢી વર્ષ તરીકે મેયર સંધ્યાબેન વ્યાસ રહ્યા હતા.આ ડેપ્યુટી મેયર તરીકે જસુમતીબેન વસાણી,લાલુભાઈ પારેખ,જનકભાઈ કોટક,નરેન્દ્રભાઈ સોલંકી અને વલ્લભભાઈ દુધાત્રા રહ્યા હતા.જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી નીતિનભાઈ ભારદ્વાજ,ઉદયભાઇ કાનગડ,ડો જૈમનભાઈ ઉપાધ્યાય, કમલેશ મીરાણી અને કશ્યપ શુક્લ જેવા સિનિયર નગરસેવકોએ નિભાવી હતી.એક વખત કોંગ્રેસને મહાપાલિકાનું સિંહાસન સોંપ્યા બાદ રાજકોટવાસીઓએ બીજી વખત ક્યારે આવી ભૂલ કરી નથી. વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ સુધી મહાપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યા બાદ યોજાયેલી  ત્રણ ચૂંટણીઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે વિજય બન્યું હતું.

કોંગ્રેસનું શાસન એક રીતે જોઈએ તો જાણે ભાજપને ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે આ પાંચ વર્ષ દરમિયાન મહાપાલિકામાં એવી ઘટના બની કે રાજકોટવાસીઓએ જાણે એવો દ્રઢ નિશ્ચય કરે લીધો હોય કે હવે ક્યારેય કોર્પોરેશનમાં કોંગ્રેસને સત્તાની ખુરશી સોંપવી નહીં.આ ચૂંટણી પછી  ત્રણ સામાન્ય ચૂંટણી યોજાઈ છે. જેમાં ત્રણેય વખત ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાનું  સિંહાસન  ફતેહ કર્યું છે. યોગ્ય નેતૃત્વ, સંકલનનો અભાવ અને જૂથવાદને કારણે કોંગ્રેસ હંમેશા રાજકોટમાં મહાપાલિકા હોય કે વિધાનસભા અથવા લોકસભા દરેક ચૂંટણીમાં પ્રજાના વિશ્વાસ જીતવામાં નિષ્ફળ જતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.