Abtak Media Google News

ખંભાળિયા, ઉપલેટા અને કુતિયાણા બેઠક માટે આજે જ નામ જાહેર કરાય તેવી શક્યતા

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 182 બેઠકો પૈકી 160 બેઠકો માટે ઉમેદવારોના નામ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હજુ 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે પ્રથમ તબક્કાના મતદાનમાં જે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેના માટે બાકી રહેતા ઉમેદવારોના નામની જાહેરાત આજે જ કરી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની ખંભાળિયા, ઉપલેટા, કુતિયાણા અને જામનગર બેઠક માટે આજે બપોર સુધીમાં અથવા મોડી સાંજે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ ઘોષિત કરી દેવામાં આવશે. તેવું માનવામાં આવી રહ્યું છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ 54 બેઠકો સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જે પૈકી ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં મોટાભાગની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન જે બેઠકો માટે થોડી ખેંચતાણ ચાલતી હતી તેના માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા નથી. ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એવા ઇશુદાનભાઇ ગઢવીને ટિકિટ આપે તે ફાઇનલ મનાઇ રહ્યું છે. આવામાં તેઓને બરાબરની ફાઇટ આપવામાં માટે ભાજપ પણ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારવા માંગે છે. હજુ સુધી ઉમેદવારનું નામ ઘોષિત કરવામાં આવ્યું નથી. જ્યારે ધોરાજી-ઉપલેટા બેઠક પર વિપુલ ઠેસીયાનું નામ મોટાભાગે ફાઇનલ હોય તેવું મનાઇ રહ્યું છે.

લલીતભાઇ વસોયાને અંતિમ ઘડી સુધી ભાજપમાં આવી જવા મનામણા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓ કોંગ્રેસના પ્રતિક પરથી જ ચૂંટણી લડશે તેવું જાહેર કરી દેવામાં આવ્યું હોય ભાજપ હવે આ બેઠક પરથી વિપુલ ઠેસીયાને ટિકિટ આપશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. હજુ કુતિયાણા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ બેઠક પરથી જો એનસીપી વર્તમાન ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા ભાજપનો ખેસ ધારણ કરી લેવા માટે રાજી થઇ જશે તો તેઓને ટિકિટ આપવામાં આવશે અન્યથા પાર્ટીને સમર્પિત અન્ય કોઇ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક માટે પણ હજુ સુધી ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પ્રથમ તબક્કામાં જે 89 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તે પૈકી 83 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ હજુ 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા નથી. જેના માટે આજ સાંજ સુધીમાં ગમે ત્યારે ભાજપના ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે. બીજી તરફ એવી શક્યતા પણ જણાઇ રહી છે કે 182 બેઠકો પૈકી ભાજપે હવે માત્ર 22 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. જેના નામ હવે ગમે તે ઘડીએ ઘોષિત થઇ જશે.

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના ‘આપ’ના કાર્યકરો અને આગેવાનોના કેસરિયા
  • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાની સાત વર્ષ બાદ ઘરવાપસી: હવે ભાજપના ઉમેદવારોને જીતાડવા કરશે મહેનત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે 20 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ પોતાનું રાજકીય વર્ચસ્વ ઉભું કરવા માટે છેલ્લા એક વર્ષથી સતત મથી રહેલી આમ આદમી પાર્ટીને જોરદાર ફટકા પડી રહ્યા છે. આપે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇશુદાનભાઇ ગઢવીનું નામ જાહેર કરતાની સાથે જ ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂએ આપનું ઝાડુ ફગાવી ફરી કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો. દરમિયાન આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઇ ગયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેઓને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. સાત વર્ષ બાદ રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ ફરી ઘરવાપસી કરી છે. હવે તેઓ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ફરી એક વખત પ્રચાર કરતા જોવા મળશે.

આજે બપોરે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આજે બપોરે વિધિવત રીતે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા. સાત વર્ષ બાદ ઘરવાપસી થતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેઓને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. માત્ર રાજભા ઝાલા જ નહીં પરંતુ રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને ભાવનગર જિલ્લાના આપના કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઇ ગયા હતા. વિધાનસભાની ચૂંટણીના મતદાનના આડે હવે માત્ર 19 દિવસનો સમય બચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીનું સંગઠન વેરવિખેર થવા માંડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.