મહાપાલિકાના ‘મુરતિયા’ પસંદ કરવા ભાજપ સોમવારે લેશે સેન્સ

પ્રદેશ નિરીક્ષકોની ચાર ટીમો ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરોને સાંભળશે:ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નં.૧, ૨, ૩ અને ૭, ભાવનગર રોડ સ્થિત પટેલવાડી ખાતે વોર્ડ નં ૪,૫,૬ અને ૧૫,હરિહર હોલ ખાતે વોર્ડ નં.૮,૯,૧૦,૧૧ અને ૧૨ જ્યારે રાણીંગા વાડી ખાતે વોર્ડ નં. ૧૩,૧૪,૧૬,૧૭ અને ૧૮ માટે સેન્સ લેવાશે

રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા  પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે નિરીક્ષકોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી માટે શહેર ભાજપ દ્વારા આગામી સોમવારના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા ૧૨ નિરીક્ષકોની ચાર  ટીમ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરોને સાંભળવામાં આવશે. ભાજપ કાર્યાલય,પટેલવાડી,હરિહર હોલ અને રાણીંગા વાડી ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ  મિરાણી,મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ જણાવ્યું હતું કે,આગામી ફેબ્રુઆરી માસમાં મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી સંભાવના જણાય રહી છે.ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા ચાર ઝોનમાં ત્રણ નિરીક્ષકોની પેનલ બનાવવામાં આવી છે. જે સંભવિત ઉમેદવારો અને કાર્યકરોને સાંભળશે.રાજકોટ માટે નિરીક્ષકોની કુલ ચાર ટીમ બનાવવામાં આવી છે.જેમાં કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પુષ્પદાનભાઈ ગઢવી,ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યા આગામી સોમવારે સવારથી વોર્ડ નંબર ૧, ૨ ,૩ અને ૭ ના સંભવિત ઉમેદવારો,અપેક્ષિતો  અને કાર્યકરોને સાંભળશે.જ્યારે ઉપલા કાંઠે ભાવનગર રોડ સ્થિત પટેલવાડી ખાતે સાંસદ નરહરિભાઈ અમીન,માધાભાઇ બોરીચા અને નિમુબેન બાંભણિયાની નિરીક્ષકોની પેનલ વોર્ડ નંબર ૪,૫,૬ અને ૧૫ ના સંભવિત ઉમેદવારો,કાર્યકરો અને અપેક્ષિત અને સાંભળશે. જ્યારે કાલાવડ રોડ સ્થિત હરિહર હોલ ખાતે  મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઇ ત્રિવેદી અને આદ્યશક્તિબેન મજબુદારની નિરીક્ષકોની પેનલ વોર્ડ નંબર ૮,૯,૧૦,૧૧ અને ૧૨ ના સંભવિત ઉમેદવારો, કાર્યકરો અને અપેક્ષિતોને સાંભળશે.આ ઉપરાંત મિલપરા સ્થિત રાણીંગાવાડી ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,ભરતસિંહ ગોહિલ અને બીજલબેન પટેલની નીરીક્ષકોની પેનલ વોર્ડ નંબર ૧૩,૧૪,૧૬,૧૭,અને ૧૮ના સંભવિત ઉમેદવારો કાર્યકરો અને અપેક્ષિત અને સાંભળશે. મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે.મોટા ભાગની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવાયો છે.મહાપાલિકાનો જંગ ફતેહ કરવા પેજ સમિતિની નિમણૂકમાં ગુજરાતમાં રાજકોટ શહેર પ્રથમ રહ્યું છે હવે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાપાલિકા માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની ચાર ટીમો દ્વારા આગામી સોમવારે સવારથી અલગ-અલગ ચાર જગ્યાએ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.સેન્સ દરમિયાન કમળના પ્રતીક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો અને અપેક્ષિતોના નામનું લિસ્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ તમામ સમીકરણો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત ફોર્મ ભરવાના એકાદ બે દિવસ અગાઉ કરે તેવી સંભાવના જાણી જણાઈ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા નિમાયેલા નિરીક્ષકોમાં રાજકોટનો દબદબો

જામનગર, મોરબી, જુનાગઢ, પોરબંદર, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા માટેની નિરીક્ષકોની ટીમમાં રાજકોટ શહેરના નેતાઓને સ્થાન

આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ૩૧ જિલ્લા માટે અને છ મહાનગર પાલિકા માટે નિરીક્ષકોના નામની ગઈકાલે જાહેરાત કરી છે.જેમાં રાજકોટનો દબદબો જોવા મળી રહ્યો છે. જામનગર, મોરબી,જુનાગઢ, પોરબંદર,ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષકોનીમાં રાજકોટના નેતાઓને સ્થાન મળ્યું છે. તો જામનગર અને ભાવનગર મહાપાલિકા માટેની નિરીક્ષકોની પેનલમાં પણ રાજકોટનું વજન દેખાય રહ્યું છે.

જામનગર જિલ્લા માટે નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની ટીમમાં ધનસુખભાઇ ભંડેરીને સ્થાન આપવામાં આવ્યું છે તો મોરબી જિલ્લા માટેની નિરીક્ષકોની ટીમમાં રૂપાબેન શીલુનો સમાવેશ કરાયો છે.આ ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મહેતાને પણ નિરીક્ષક બનાવાયા છે.જૂનાગઢ જિલ્લા માટે રમેશભાઈ રૂપાપરાને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. તો પોરબંદર જિલ્લા માટે ડો. ભરત બોઘરા અને જવાબદારી આપવામાં આવી છે.

ભાવનગર જિલ્લા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તો સુરેન્દ્રનગર જિલ્લા માટે નીતિનભાઈ ભારદ્વાજ અને ભાનુબેન બાબરીયાની નિયુક્તિ નિરીક્ષક તરીકે કરવામાં આવી છે.આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવાર પસંદ કરવા માટે જે નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે તેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને જયેશભાઈ વ્યાસને સ્થાન આપવામાં આવ્યું છે.

તો ભાવનગર મહાનગરપાલિકા માટે  નિરીક્ષકો તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા લ,પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને બીનાબેન આચાર્ય જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન શાહને સ્થાન આપવામાં આવ્યું છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા માં હવે રાજકોટ નો દબદબો રહેશે.

Loading...